Russia Ukraine War : યુક્રેનના નેતાઓએ રશિયા (Russia) પર માનવતાવાદી સહાયતાના કાફલાને અટકાવવાનો અને મારિયુપોલમાં ખોરાક અને અન્ય વસ્તુઓ મેળવવાનો પ્રયાસ કરી રહેલા 15 બચાવ કાર્યકરો અને ડ્રાઇવરોની અટકાયત કરવાનો આરોપ મૂક્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President Volodymyr Zelenskyy)જણાવ્યું હતું કે શહેરમાં લગભગ 1,00,000 લોકો હજુ પણ નાકાબંધીને કારણે અને સતત તોપમારો હેઠળ ખોરાક, પાણી, દવા વિના અમાનવીય સ્થિતિમાં જીવી રહ્યા છે.
ઝેલેન્સકીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રને આપેલા તેમના વીડિયો સંબોધનમાં, માનવતાવાદી કોરિડોર(Human Corridor) પર સંમત હોવા છતાં રશિયન સૈન્ય પર સહાય કાફલાને અવરોધિત કરવાનો આરોપ મૂક્યો હતો.વધુમાં તેણે કહ્યું કે અમે મારિયુપોલના રહેવાસીઓ માટે માનવતાવાદી કોરિડોર ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કમનસીબે અમારા લગભગ તમામ પ્રયાસો રશિયન (Russian Army) ગોળીબાર અથવા ઇરાદાપૂર્વકની હિંસક પ્રવૃત્તિઓ દ્વારા નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે.
રેડ ક્રોસે પુષ્ટિ કરી હતી કે માનવતાવાદી સહાય કાફલો શહેરમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને રશિયા દ્વારા અટકાવવામાં આવ્યો હતો. યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટ ઇરિના વેરેશચુકે જણાવ્યું હતુ કે, રશિયનોએ 11 બસ ડ્રાઇવરો અને ચાર બચાવકર્તાઓને તેમના વાહનો સાથે પકડી લીધા છે. તેમના વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. તમને જણાવી દઈએ કે,યુક્રેનની રાજધાની કિવમાં બુધવારે વહેલી સવારે પશ્ચિમી બહારના વિસ્તારોમાં અવિરત ગોળીબાર ચાલુ રહ્યો હતો.
મંગળવારે રશિયા દ્વારા યુક્રેનના ઉત્તરપશ્ચિમ તરફ ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જ્યાં રશિયાએ ઘણા ઉપનગરોને ઘેરી લેવાનો અને કબજે કરવાનો પ્રયાસ કર્યો છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે મંગળવારે મારિયુપોલમાંથી 7,000 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન (Ukraine)પર હુમલો કર્યો હતો અને ત્યારથી પૂર્વ યુરોપીય દેશ યુક્રેનમાં ઘણી તબાહી મચી ગઈ છે. એક મહિનો થઈ ગયો હોવા છતા રશિયાના હુમલા ચાલુ છે અને યુક્રેનમાં જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યું છે. રશિયા સૈન્ય મથકો તેમજ રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યુ જોકે, બીજી તરફ યુક્રેનના સૈનિકો પણ રશિયાને પુરી તાકાતથી જવાબ આપી રહ્યા છે.
આ પણ વાંચો : યુક્રેન અંગે યોજાનારી UNSC મિટીંગ પહેલા ન્યૂયોર્ક પહોંચ્યા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા