Russia Ukraine War: યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ રવિવારે મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું કે, યુક્રેને પરમાણુ કેન્દ્રમાં બનેલા હથિયારો સંબંધિત કેટલાક દસ્તાવેજોને બાળી નાખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન નેતૃત્વએ રશિયા સાથે વધતા તણાવ વચ્ચે કિવ અને ખાર્કિવમાં વૈજ્ઞાનિક કેન્દ્રોમાં સંગ્રહિત તમામ મૂલ્યવાન દસ્તાવેજોને નષ્ટ કરી દીધા છે.
રશિયન ફેડરેશનના (Russian Federation) એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, યુક્રેને પરમાણુ શસ્ત્રો બનાવવાના દસ્તાવેજોને કાં તો નષ્ટ કરી દીધા છે અથવા તેને ગાયબ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનના “શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ” માં શસ્ત્રોના ઘટકોની હાજરી અંગે કિવ શાસન સામેના આરોપોને ટાળવા માટે આ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શનિવારે યુએસ સાંસદો સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે, રશિયન દળોએ યુક્રેનના બે પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે અને તેઓ ત્રીજા પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યા છે. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, યુઝ્નોક્રેન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જે માયકોલાઇવથી લગભગ 120 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે, હાલમાં જોખમમાં છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે યુક્રેનની દેશની સ્થિતિ જોખમમાં છે. પશ્ચિમી પ્રતિબંધોને રશિયા સામે યુદ્ધની ઘોષણા ગણાવતાં તેમણે કહ્યું કે, કબજે કરાયેલા બંદર શહેર મારિયુપોલમાં આતંકવાદી ઘટનાઓ દ્વારા યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. “તેઓ (યુક્રેનિયનો) શું કરી રહ્યા છે અને જો તેઓ ચાલુ રાખે છે, તો તેઓ યુક્રેનને તેના દેશની સ્થિતિ પર સવાલ ઉઠાવવા બોલાવે છે,” પુતિને કહ્યું. જો આવું થશે તો તેના માટે તેઓ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
રશિયાએ EU અને NATOને કહ્યું – યુક્રેનને હથિયાર આપવાનું બંધ કરો
રશિયાના વિદેશ મંત્રાલયે શનિવારે યુરોપિયન યુનિયન અને નાટો દેશોને યુક્રેનને શસ્ત્રો આપવાનું બંધ કરવા જણાવ્યું હતું. રશિયન RIA ન્યૂઝ એજન્સીએ પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મોસ્કો ખાસ કરીને ચિંતિત છે કે પોર્ટેબલ એન્ટિ-એરિયલ સ્ટિંગર મિસાઇલ આતંકવાદીઓના હાથમાં આવી શકે છે. જેના કારણે એરલાઈન્સ માટે ખતરો ઉભો થઈ શકે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી તેમના દેશના અસ્તિત્વ માટે લડતાં, યુ.એસ.ને વધુ ફાઇટર જેટ મોકલવા અને રશિયા પાસેથી તેલની આયાત ઘટાડવા માટે “ભાવનાત્મક” અપીલ કરી છે. જેથી તેમનો દેશ રશિયન લશ્કરી કાર્યવાહીનો સામનો કરી શકે. ઝેલેન્સકીએ શનિવારે યુએસ સાંસદોને એક ખાનગી વિડિયો કૉલમાં જણાવ્યું હતું કે, તે કદાચ તેને છેલ્લી વખત જીવતો જોઈ રહ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ રાજધાની કિવમાં હાજર છે. જેની ઉત્તરે રશિયન સશસ્ત્ર સૈનિકોનો મેળાવડો છે.
આ પણ વાંચો: Russia Ukraine War: વિરુદ્ધ દેશો પર કાર્યવાહી કરવાના મૂડમાં પુતિન! યાદી બનાવવાનો આપ્યો આદેશ