
પેરિસનો પ્રતિષ્ઠિત એફિલ ટાવર. જ્યાં હંમેશા પ્રવાસીઓની ભારે ભીડ રહે છે. આજે હવે લોકો આ સ્થળે છાંયડો શોધતા જોવા મળે છે. કેમેરાને બદલે, લોકોના હાથમાં છત્રીઓ છે, અને સેલ્ફીને બદલે, લોકો તેમના ચહેરા પરથી પરસેવો લૂછી રહ્યા છે. કારણ છે ભારે ગરમી. પેરિસનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગરમી એટલી વધી ગઈ છે કે ટાવરનો ઉપરનો ભાગ બે દિવસથી બંધ છે.
ફ્રાન્સની હવામાન એજન્સીએ રાજધાની સહિત 15 શહેર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, યુરોપમાં આ એકમાત્ર કિસ્સો નથી – ઇટાલી, ગ્રીસ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશો પણ ગરમીના કારણે દબાણ હેઠળ છે. પ્રવાસીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ, દરેક વ્યક્તિ સૂર્યનારાયરણના આકરા તડકાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફ્રાન્સ હાલમાં ગરમીની લપેટમાં છે. ફ્રાન્સની પર્યાવરણીય એજન્સીના જણાવ્યાનુસાર અનુસાર, જૂન મહિનો 1900 પછીનો બીજો સૌથી ગરમ જૂન મહિનો રહ્યો હતો. ફ્રાન્સના બીજા સૌથી મોટા શહેર માર્સેલીમાં તાપમાન 41.3°C સુધી પહોંચી ગયું હતું, જે આ વર્ષના ગરમીના લપેટમાં સૌથી વધુ રેકોર્ડ છે.
તો આ તરફ, ઇટાલીની ગરમીએ હવે તેની ‘રોમેન્ટિક સમર’ ઓળખ છોડી દીધી છે. લેઝિયો, ટસ્કની, સિસિલી, કેલેબ્રિયા, પુગ્લિયા અને ઉમ્બ્રિયા જેવા વિસ્તારોમાં ગરમીને કારણે બપોરના સમયે ખુલ્લામાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘણા ટ્રેડ યુનિયનો માંગ કરી રહ્યા છે કે આ નિયમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે.
સ્પેન પણ ગરમીના કહેરથી સહેજ પણ પાછળ નથી. દક્ષિણ શહેર સેવિલેમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દેશના મધ્ય અને દક્ષિણ ભાગોમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ગરમીથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જ્યારે, ગ્રીસમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચ્યું ત્યારે એથેન્સના દક્ષિણમાં એક વિશાળ જંગલમાં આગ લાગી. અહીં, લંડનમાં ચાલી રહેલી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટનો પહેલો દિવસ અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો હતો. એવો ભય છે કે ટુર્નામેન્ટ દરમિયાન ગરમીનો રેકોર્ડ તૂટી શકે છે. આ ઉપરાંત, જર્મની, નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા જેવા દેશોમાં લોકો પણ ગરમીથી પીડાઈ રહ્યા છે.
EU ની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ અનુસાર, યુરોપમાં જૂનમાં બે મોટા હીટવેવનો સામનો કરવો પડ્યો – પહેલો 20 જૂનની આસપાસ અને બીજો એક અઠવાડિયા પછી. પ્રારંભિક માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે આ જૂન અત્યાર સુધીના પાંચ સૌથી ગરમ જૂનમાં સામેલ થઈ શકે છે. એટલું જ નહીં, નિષ્ણાતો માને છે કે આ માનવ પ્રેરિત આબોહવા પરિવર્તનનું સીધું પરિણામ પણ છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં ઇમારતો, કોંક્રિટ અને રસ્તાઓને કારણે ગરમી ફસાઈ જાય છે. જેને અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ કહેવામાં આવે છે.
મીડિયા અહેવાલ મુજબ, આ વખતે યુરોપમાં તીવ્ર ગરમી પાછળ બીજું એક મોટું કારણ છે, જેને હવામાનશાસ્ત્રીઓ હીટ ડોમ કહે છે. તે એક ઉચ્ચ-દબાણ પ્રણાલી છે, જે એક વિસ્તારમાં ગરમ અને સૂકી હવાને અવરોધે છે. આ ડોમે ઉત્તર આફ્રિકાથી દક્ષિણ યુરોપમાં આવતી ગરમ હવાને ખેંચી લીધી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
2023માં લેન્સેટ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તાપમાન આ જ ગતિએ વધતું રહેશે, તો આ સદીના અંત સુધીમાં યુરોપમાં ગરમીને કારણે મૃત્યુઆંક ત્રણ ગણો વધી શકે છે. તેની મહત્તમ અસર ઇટાલી, ગ્રીસ અને સ્પેન જેવા દેશોમાં જોવા મળી શકે છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશ વિદેશના હવામાન અંગેના તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.