
નેપાળમાં સરકારે સોશિયલ મીડિયા એપ્સ પર લગાવેલા પ્રતિબંધ સામે રાજધાની કાઠમંડુ સહિત ઘણા શહેરોમાં હજારો જેન-ઝેડ યુવાનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. આંદોલન અને કૂચ દરમિયાન સેંકડો યુવાનો નેપાળની સંસદમાં ઘૂસી ગયા. તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો છતા સ્થિતિ પર કોઈ નિયંત્રણ ના આવતા ગોળીબાર કર્યો હતો. જેમા 20 આંદોલનકારી યુવાનોના મોત થયા છે. જ્યારે 250 થી વધુ ઘાયલ થયા છે.
કાઠમંડુના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના નિવાસસ્થાનોની આસપાસ સૈન્યને તહેનાત કરવામાં આવ્યું છે, જેથી વિરોધીઓ તેમના નિવાસસ્થાનોમાં પ્રવેશ ન કરે. સંસદ ભવનની નજીક 10 થી 15 હજાર આંદોલનકારીઓ ઉપસ્થિત છે. કેન્દ્રીય સચિવાલય પાસે પણ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ હાજર છે. કાઠમંડુના મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, જો પરિસ્થિતિ વધુ વણસે તો જાહેર સંપત્તિનું રક્ષણ કરવા માટે સુરક્ષા દળોને રબરની ગોળીઓ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
નેપાળના વડા પ્રધાન કેપી ઓલીએ આંદોલનકારી યુવાનોના પ્રતિનિધિમંડળને વાતચીત માટે બોલાવ્યુ છે. ઓલી કેબિનેટે આજે કટોકટી કેબિનેટ બેઠક બોલાવી છે. આમાં નિર્ણાયક નિર્ણય લઈ શકાય છે. હિંસા બાદ સરકાર પર નિર્ણય પાછો ખેંચવા માટે દબાણ છે. નેપાળ સરકારના રમતગમત મંત્રી સંતોષ પાંડેએ કહ્યું કે સરકાર યુવાનોની માંગણીઓ પર વિચાર કરશે.
પ્રદર્શનો કરનારાઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદી માટે સરકારને દોષી ઠેરવી રહ્યા છે. બિરાટનગર, ભરતપુર અને પોખરામાં પણ વિરોધ પ્રદર્શન થયા. 4 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન કેપી ઓલીની સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ જેવી 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુવાનોનું કહેવું છે કે પ્રતિબંધને કારણે અભ્યાસ અને વ્યવસાય પ્રભાવિત થશે.
ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ દ્વારા માલ વેચતા લોકોનો ધંધો બંધ થઈ ગયો. યુટ્યુબ અને ગિટહબ જેવા પ્લેટફોર્મ કામ ન કરતા હોવાથી બાળકોનું શિક્ષણ મુશ્કેલ બન્યું. વિદેશમાં રહેતા લોકો સાથે વાત કરવી મોંઘી અને મુશ્કેલ બની ગઈ. લોકોમાં રોષ એટલો વધી ગયો કે ઘણા લોકોએ VPN નો ઉપયોગ કરીને પ્રતિબંધ તોડવાનો પ્રયાસ કર્યો.
સરકારે TikTok પર પ્રતિબંધ મૂક્યો નથી, તેથી લોકોએ આ પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરીને આંદોલન શરૂ કર્યું. નેતાઓના બાળકોની વૈભવીતા અને સામાન્ય લોકોની બેરોજગારીની તુલના કરવામાં આવી. #RestoreOurInternet જેવા ઘણા વીડિયો અને હેશટેગ વાયરલ થયા.
Gen-Z એ સ્કૂલ યુનિફોર્મમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો, જેથી જોઈ શકાય કે આ યુવાનોનું આંદોલન છે. 28 વર્ષથી વધુ ઉંમરના લોકોને વિરોધ પ્રદર્શનમાં આવવાની મંજૂરી નહોતી. તેમણે સોશિયલ મીડિયા શરૂ કરવા, ભ્રષ્ટાચાર, નોકરીઓ અને ઇન્ટરનેટ ઍક્સેસ બંધ કરવાની માંગ કરી.
આ પણ વાંચોઃ ટેરિફ બાદ ટ્રમ્પે આ ક્ષેત્રે બતાવી ટણી, હવે વિઝા માટે સર્જાશે વિવાદ, અમેરિકા જવા ઈચ્છનારાઓ માટે છે મહત્વનું
Published On - 8:07 pm, Mon, 8 September 25