Breaking News : ‘ભારત ગ્રો મોર એચિવ મોરમાં માને છે, ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે’… ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયો. PM અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ, વેપાર અને ઊર્જા સહયોગ મજબૂત કરવા પર ભાર મુકાયો. "મેલબોર્ન મીટ્સ મોદી" કાર્યક્રમમાં ભારતીય સમુદાયનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું.

Breaking News : ભારત ગ્રો મોર એચિવ મોરમાં માને છે, ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે... ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં PM મોદીનું સંબોધન
| Updated on: Jul 09, 2026 | 3:57 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા હેઠળ બુધવારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ, ઊર્જા, વેપાર અને રોકાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.

મેલબોર્નમાં યોજાયેલા “Melbourne Meets Modi” કાર્યક્રમમાં હજારો ભારતીય સમુદાયના સભ્યો ઉમટી પડ્યા હતા. અંદાજે 30,000 ભારતીયોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

12 વર્ષમાં આ તેમની ઓસ્ટ્રેલિયાની ત્રીજી મુલાકાત

ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ અગાઉ બે વખત સિડનીની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ મેલબોર્ન આવવાની તેમની લાંબા સમયથી ઇચ્છા હતી. તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં આ તેમની ઓસ્ટ્રેલિયાની ત્રીજી મુલાકાત છે અને આ “હેટ્રિક” ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોની વધતી મજબૂતાઈનું પ્રતિક છે.

તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 2014 પહેલાં કોઈ ભારતીય વડાપ્રધાન લગભગ 28 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા નહોતા. તે સમયે તેમણે વચન આપ્યું હતું કે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આટલો લાંબો અંતર ફરી નહીં રહે, અને આજે તે વચન પૂર્ણ થઈ રહ્યું છે.

પીએમ મોદીએ જણાવ્યું કે મેલબોર્ન એક એવું શહેર છે જ્યાં એક જ દિવસમાં ચાર ઋતુઓનો અનુભવ થાય છે. પરંતુ અહીં વસતા ભારતીયોએ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીથી શહેરને વધુ રંગીન અને જીવંત બનાવી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ ઝલક જોવા મળે છે.

નવી પેઢી પણ અહીં આગળ વધી – PM

તેમણે કહ્યું કે ઘણા ભારતીય પરિવારો વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહ્યા છે અને હવે નવી પેઢી પણ અહીં આગળ વધી રહી છે. તેમ છતાં તેમની અંદર રહેલી ભારતીયતા આજે પણ એટલી જ જીવંત છે. અનેક પરિવારોનું જીવન જાણે બે અલગ-અલગ સમય ઝોન વચ્ચે ચાલતું હોય તેમ લાગે છે.

પીએમ મોદીએ ભારતીય સમુદાયની જીવનશૈલીનું રસપ્રદ વર્ણન કરતાં કહ્યું કે અહીંની દાળ અને શાકભાજી ભલે ઓસ્ટ્રેલિયાની હોય, પરંતુ તેનો સ્વાદ ભારતીય મસાલા અને તડકાથી જ આવે છે. સપ્તાહના અંતે મંદિરો, ગુરુદ્વારા અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભારતીયો જોડાય છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે ગુરુદ્વારામાં અરદાસ, ભારતીય સંસ્કૃતિ અહીં આજે પણ એટલી જ જીવંત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે મેલબોર્નમાં ભારતીય ફિલ્મ મહોત્સવ પણ યોજાવાનો છે, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે 21મી સદીનું ભારત સતત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. એક સ્વપ્ન પૂર્ણ થાય છે તો તરત જ નવું સ્વપ્ન જન્મે છે અને દેશ નવી સિદ્ધિઓ તરફ આગળ વધે છે.

મોદીને ઓસ્ટ્રેલિયાના સારા મિત્ર ગણાવ્યા

વડાપ્રધાન મોદીના સંબોધન પહેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મિત્રતાનો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે. તેમણે મોદીને ઓસ્ટ્રેલિયાના સારા મિત્ર ગણાવ્યા અને જણાવ્યું કે અમદાવાદમાં તેમને મળેલા આત્મીય સ્વાગતને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે ભારતની વૈશ્વિક સ્તરે કટોકટીના સમયમાં મદદરૂપ બનવાની ભૂમિકાની પણ પ્રશંસા કરી.

આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વેપાર અને રોકાણ વધારવા અંગે પણ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA)ને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આ કરાર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડશે.

મેલબોર્નમાં યોજાયેલા ઓસ્ટ્રેલિયા-ભારત CEO ફોરમ અને આર્થિક રોડમેપ બિઝનેસ કાર્યક્રમમાં બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, સુપરએન્યુએશન ફંડના પ્રતિનિધિઓ અને ઓસ્ટ્રેલિયાની અગ્રણી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન AustralianSuperના CEO પોલ શ્રોડરે ભારતમાં 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી, જેને વડાપ્રધાન મોદીએ આવકારી હતી.

વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને દેશો હવે વેપાર, રોકાણ, શિક્ષણ, ટેક્નોલોજી અને સુરક્ષા સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

અમરનાથ હિમશિવલિંગ માત્ર 5 દિવસમાં અંતરધ્યાન, ક્લાઇમેટ ચેન્જ યાત્રાળુઓ માટે ચિંતાનું કારણ

Published On - 3:56 pm, Thu, 9 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.