પુતિનની મુલાકાતના 6 દિવસ બાદ PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત, કયા મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા? જાણો

ભારત-અમેરિકા સંબંધોમાં નવી ચહલપહલ જોવા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વ્યૂહાત્મક અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતના થોડા જ દિવસોમાં થયેલી આ વાતચીત આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિમાં નવી ચર્ચાનો વિષય બની છે.

પુતિનની મુલાકાતના 6 દિવસ બાદ PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત, કયા મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા? જાણો
| Updated on: Dec 11, 2025 | 9:06 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકા વેપાર કરારની પ્રગતિની સમીક્ષા કરી અને દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. મોદી અને ટ્રમ્પે નોંધ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો રક્ષા, ટેકનોલોજી, ઊર્જા અને સુરક્ષા સહિત તમામ ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યા છે.

મહત્વનું એ છે કે આ ચર્ચા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતના માત્ર છ દિવસ બાદ થઈ છે. દિલ્હી મુલાકાત દરમિયાન પુતિન અને મોદીનાં એક સાથેની કારમાં બેઠેલા ફોટાએ અમેરિકા કોંગ્રેસમાં પણ ચર્ચા જગાવી હતી.

વેપાર કરાર અને ભવિષ્યની ભાગીદારી પર ભાર

મોદી અને ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર વધારવા અને નવા કોમ્પેક્ટ કરારને ગતિ આપવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. 21મી સદીની સ્ટ્રેટેજિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા બંને નેતાઓ સંમત થયા.

વાતચીત પછી પીએમ મોદીએ X પર લખ્યું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ખૂબ જ ઉષ્માભરી અને સાર્થક ચર્ચા થઈ. ભારત-અમેરિકા સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો.” મોદીએ કહ્યું કે બંને દેશો વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મળીને કાર્ય કરશે.

વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારવિમર્શ

ચર્ચા દરમિયાન અનેક પ્રાદેશિક પડકારો, સ્ટ્રેટેજિક મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર બંને નેતાઓએ મંતવ્યો શેર કર્યા. સામાન્ય પડકારોનો સામનો કરવા અને એકબીજાના હિતોને આગળ વધારવા સતત સંપર્કમાં રહેવાની સહમતિ બની.

કોંગ્રેસમાં ‘મોદી-પુતિન ફોટો’ પર તીવ્ર ચર્ચા

યુએસ કોંગ્રેસમાં પીએમ મોદી અને પુતિનના કારમાં બેઠેલા ફોટાને લઈને ડેમોક્રેટિક કોંગ્રેસવુમન કમલાગર-ડોવે કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, “આ ફોટો હજાર શબ્દો બોલે છે.” સાથે જ તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓને જવાબદાર ગણાવી કે જેના કારણે ભારત મોસ્કો તરફ વધુ ઝુક્યું છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.