Pakistan : પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ (Pakistan Political Crisis) વધુ તેજ બની છે. બુધવારે વિપક્ષે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સરકારના સહયોગી MQMએ વિપક્ષ સાથે જવાની જાહેરાત કરી છે. વિપક્ષના નેતા શાહબાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાનની તારીખમાં આજનો દિવસ મહત્વપૂર્ણ છે. ઈમરાન ખાનને (Imran Khan) સત્તા પરથી હટાવ્યા બાદ શરીફને દેશના નવા વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. તેણે કહ્યું કે, હું MQMના મિત્રો અને સાથીઓનો આભાર માનું છું.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ MQMના ખાલિદ મકબૂલ સિદ્દીકી અને પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના (Pakistan National Assembly) LOP શાહબાઝ શરી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘વર્ષ 2018માં ચૂંટણીના નામે સિલેકશન આખા પાકિસ્તાન વિરુદ્ધ એક ષડયંત્ર હતું.’તમને જણાવી દઈએ કે, ઝરદારી અને અન્ય વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન ઈમરાન ખાનને રાજીનામું આપવા કહ્યુ છે. એક સમયે એકબીજાના હરીફ ગણાતા પાકિસ્તાનના વિરોધ પક્ષો આજે સત્તાધારી સરકાર સામે એક થઈને ઉભા છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વધુમાં કહ્યું કે,શાહબાઝ શરીફે વડાપ્રધાનને રાજીનામું આપવા પડકાર ફેંક્યો છે. અમે જાણીએ છીએ કે વડાપ્રધાને અત્યાર સુધી કોઈ પણ જવાબદારી નિભાવી નથી. પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી, તેઓ હવે વડાપ્રધાન નથી.પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષ (વિરોધી પક્ષોનું ગઠબંધન) દાવો કરે છે કે તેઓ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે કારણ કે તેઓ વડાપ્રધાન તરીકે કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમના કાર્યકાળ બાદ દેશમાં મોંઘવારી વધી છે, આર્થિક વ્યવસ્થા ભાંગી પડી છે અને દેશના સંસાધનોનો રાજકીય વિરોધીઓ સામે ઉપયોગ કરવામાં આવ્યા છે.
હાલ ઈમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના કેટલાક સહયોગીઓએ ગઠબંધનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેમની સરકાર પડી જવાની શક્યતા વધી ગઈ છે. ખાનને સત્તામાં રહેવા માટે પાકિસ્તાનની 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઓછામાં ઓછા 172 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. અહેવાલો અનુસાર, ખાનને 155 સભ્યોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ પાસે 186 સભ્યોનું સમર્થન છે.
Published On - 6:45 am, Thu, 31 March 22