પાકિસ્તાનની (Pakistan) સંસદે સોમવારે શાહબાઝ શરીફને (PM Shehbaz Sharif)દેશના 23મા વડા પ્રધાન તરીકે બિનહરીફ ચૂંટ્યા અને 8 માર્ચે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) પછી દેશમાં અનિશ્ચિતતાની સ્થિતિનો પણ અંત આવ્યો. પૂર્વ વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ (Shah Mahmood Qureshi) તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફને વોટિંગ અને સંસદમાં વોકઆઉટમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી હતી. આ પછી પીટીઆઈના 100થી વધુ સાંસદોએ નેશનલ એસેમ્બલીમાંથી વોકઆઉટ કર્યું. હવે સામૂહિક રાજીનામા પછી, 342 બેઠકો ધરાવતી નેશનલ એસેમ્બલીની 100 થી વધુ બેઠકો માટે નવી પેટાચૂંટણીની જરૂર વર્તાશે.
કુરેશીએ કહ્યું, ‘અમે અમારી પાર્ટીના નિર્ણય મુજબ આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને રાજીનામું આપી રહ્યા છીએ.’ તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ ઈમરાન ખાનને હટાવવાના વિરોધમાં લાહોરના લિબર્ટી ચોક ખાતે વિરોધ રેલી કાઢી હતી.
રવિવારે શરૂ થયેલી અને સોમવારે સવારે 3 વાગ્યા સુધી ચાલેલી દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત પીટીઆઈના સમર્થકોએ ઈમરાન ખાન સાથે એકતા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, ફૈસલાબાદ, મુલતાન, ગુજરાંવાલા, વેહારી, જેલમ અને પંજાબ પ્રાંતના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ હતુ.
વડાપ્રધાન તરીકે ગૃહમાં પોતાના પ્રથમ ભાષણમાં શાહબાઝે કહ્યું કે, પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો છે. તેમણે કહ્યું, ‘અશુભ પર સારાનો વિજય થયો છે.’ વધુમાં તેમણે કહ્યું કે આ સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે, જ્યાં ચૂંટાયેલા વડાપ્રધાનને કાયદાકીય અને બંધારણીય રીતે ઘરે મોકલવામાં આવ્યા છે. ત્રણ વખતના વડા પ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝે જણાવ્યું હતું કે આજે અમેરિકી ડૉલર 8 રૂપિયા જેટલો ઘટી રહ્યો છે તે “જનતાની ખુશી” દર્શાવે છે. સર્વોચ્ચ અદાલતના સર્વસંમતિથી નિર્ણયને આવકારતા, તેમણે કહ્યું કે જે દિવસે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપ્યો તે દિવસ પાકિસ્તાનના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ તરીકે નોંધવો જોઈએ.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : પાકિસ્તાનનું સુકાન સંભાળનાર શાહબાઝ શરીફને PM મોદીની શુભેચ્છા, શું ઉકેલાશે ભારત-પાકિસ્તાનના સમીકરણો ?