
કતારના વિદેશ મંત્રાલયે આજે વહેલી સવારે જાહેરાત કરી હતી કે, કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા હતા. તુર્કીની મધ્યસ્થી હેઠળની આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સરહદ સંઘર્ષનો અંત લાવવાનો છે જેમાં ડઝનેક લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
આ ચર્ચાઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની લડાઈમાં ડઝનેક લોકો માર્યા ગયા પછી થઈ છે, જે 2021 માં કાબુલમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી બંને પડોશીઓ વચ્ચેનો સૌથી ખરાબ સંઘર્ષ છે. અફઘાન અધિકારીઓએ પુષ્ટિ આપી કે, સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબના નેતૃત્વમાં કાબુલના પ્રતિનિધિમંડળે દોહા વાટાઘાટોમાં ભાગ લીધો હતો, જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે તાલિબાનના પ્રતિનિધિઓ સાથે ચર્ચાનું નેતૃત્વ કર્યું હતું.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે, વાટાઘાટોમાં અફઘાનિસ્તાનથી પાકિસ્તાન વિરુદ્ધ સરહદ પારથી થતા આતંકવાદનો અંત લાવવા અને પાક-અફઘાન સરહદ પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઇસ્લામાબાદે અફઘાનિસ્તાન પાસેથી સરહદ પારથી પાકિસ્તાનમાં હુમલા કરનારા આતંકવાદીઓ પર લગામ લગાવવાની માંગ કરી ત્યારે હિંસા ફાટી નીકળી હતી.
તાલિબાને આતંકવાદીઓને આશ્રય આપવાનો ઇનકાર કર્યો હતો અને પાકિસ્તાન પર ખોટી માહિતી ફેલાવવાનો અને અફઘાનિસ્તાનને અસ્થિર કરવા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથોને ટેકો આપવાનો આરોપ મૂક્યો હતો. ઇસ્લામાબાદે આ આરોપોને ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે, આતંકવાદીઓએ પાકિસ્તાની સરકારને ઉથલાવી પાડવા અને કડક ઇસ્લામિક શાસન લાદવા માટે લાંબા સમયથી ઝુંબેશ ચલાવી છે.
તાલિબાન સરકારે શનિવારે કહ્યું હતું કે, અફઘાન પ્રતિનિધિમંડળમાં સંરક્ષણ પ્રધાન અને રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીના વડાનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા, પાકિસ્તાને કહ્યું હતું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ શનિવારે દોહા જશે. જો કે, તેણે વધુ વિગતો આપી ન હતી.
બંને દેશો કહે છે કે તેઓ એકબીજાના આક્રમણનો જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર સરહદી વિસ્તારોમાં હુમલા કરનારા આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે, જે આરોપ તાલિબાન નકારે છે.
આ પણ વાંચોઃ Richest Person in Afghanistan: આ અમીર વ્યક્તિને કહેવાય છે અફઘાનિસ્તાનના ‘અંબાણી’, જાણો તે કેટલા અમીર છે ?