વડતાલધામને આંગણે આગામી 7 થી 15 નવેમ્બર, 2024 સુધી અતિ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાનારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં વડતાલના સંતો ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા વડતાલના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામી સહિતના વરિષ્ઠ સંતો
NRI ભક્તોને મહોત્સવમાં વડતાલ પધારવા નિમંત્રણ પાઠવવા હાલ લંડન UK તથ અમેરિકાના સત્સંગ યાત્રા પ્રવાસે છે.
ત્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની મુલાકાત યોજી તેમને વડતાલ દ્વિશતાબ્દિ મહોત્સવનીપત્રિકા અર્પણ કરી વડતાલ આવવા નિમંત્રણ આપ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી , મુખ્ય કોઠારીશ્રી ડૉ. સંત સ્વામી , ચેરમેનશ્રી દેવ સ્વામી, પૂ.માધવપ્રિય સ્વામી , પૂ. નિત્યસ્વરૂપ સ્વામી, વગેરે સંતો અમેરિકા લંડન જેવા દેશોમાં વસતા સંપ્રદાયના અનુયાયીઓને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે.
આજ રોજ કચ્છ સ્વામિનારાયણ મંદિર હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંત સ્વામી અને પૂ.માધવપ્રિય સ્વામી છારોડીએ લંડનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
સભામાં બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત હતા. તેમણે લંડનને પ્રથમ હિન્દુ પ્રાઈમ મિનિસ્ટર મળ્યા છે તેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે અને અમને એમના માટે ગૌરવ છે.
ઋષિ સુનકે સભામાં પોતાના સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાન અને સંતોના આશિવાર્દ મળ્યા,આપ સહુનો સ્નેહ મળ્યો, મારો ઉછેર મંદિરના ઉષ્માભર્યા વાતાવરણમાં થયો છે. મને લાગે છે કે, આપણને સહુને ભગવાન જોઈ રહ્યા છે. આટલું કહીને અંતમાં દેશ સમાજ અને સમષ્ટિ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આજ ઇંગ્લેન્ડમાં વડાપ્રધાન હોવા છતા હિન્દુ હોવાનું ગર્વ પૂર્વક જાહેરમાં સ્વીકારતા સુનક યુવકોના પ્રેરક – આઈકોન હોવા જોઈએ,એમ ડૉ. સંત સ્વામીએ જણાવ્યું હતું. અને સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રીહનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યું હતું કે, હનુમાન ચાલીશાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ મારી સામે રાખીશ.
આ સમગ્ર કાર્યક્રમ મંદિરના પ્રમુખ સુરેશભાઈ , સેક્રેટરી રીકીનભાઈ અને સેવકોએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા ગુજરાતીઓ પણ લંડનના કાઉન્સિલમાં મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે..