ચીનના કારણે નેપાળ MCC કરારની મંજૂરીમાં કરી રહ્યું છે વિલંબ, હાથમાંથી નીકળી શકે છે 50 કરોડ ડોલર, અમેરિકા થયું નારાજ
અમેરિકાનું માનવું છે કે ચીનના કારણે નેપાળમાં (Nepal) તેનો 50 કરોડ ડોલરનો પ્રોજેક્ટ અટક્યો છે. અમેરિકાએ ચીન પર દુષ્પ્રચાર અભિયાનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાનું માનવું છે કે ચીનના કારણે નેપાળમાં (Nepal) તેનો 50 કરોડ ડોલરનો પ્રોજેક્ટ અટક્યો છે. અમેરિકાએ ચીન (China in Nepal) પર દુષ્પ્રચાર અભિયાનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો નેપાળ 28 ફેબ્રુઆરી સુધી તમામ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ નહીં કરે તો તેની અસર અમેરિકા અને નેપાળના દ્વિપક્ષીય સંબંધો (US Nepal Relations) પર પડશે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ વાત કહી છે. તેમણે કહ્યું કે, જો “બાહ્ય પ્રભાવ અને ભ્રષ્ટાચાર” ને કારણે પ્રોજેક્ટની મંજૂરીમાં વિલંબ થાય તો તે “અત્યંત નિરાશાજનક” હશે.
મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન-નેપાળ (Millennium Challenge Corporation) કોમ્પેક્ટ નામના આ કરાર પર વર્ષ 2017માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વાતને પાંચ વર્ષ થઈ ગયા છે પરંતુ ચીનના દબાણમાં નેપાળે હજુ સુધી આ કરારને અંતિમ મંજૂરી આપી નથી. આ સમજૂતીને લાગુ કરવા માટે નેપાળની સંસદમાંથી મંજૂરી લેવી જરૂરી છે, જે હજુ સુધી મળી નથી. MCC પ્રોજેક્ટ હેઠળ અમેરિકા નેપાળને આર્થિક મદદ કરશે. અમેરિકા નેપાળને 500 મિલિયન ડોલર આપશે. જેની મદદથી પાવર ટ્રાન્સમિશન લાઈન હશે અને 300 કિમીના રસ્તાઓને અપગ્રેડ કરવામાં આવશે.
જેનો હેતુ ચીનના પ્રભાવને ઘટાડવાનો છે
તેનો હેતુ નેપાળમાં વિકાસ કરવાની સાથે ત્યાં ચીનનો પ્રભાવ ઓછો કરવાનો છે. અમેરિકાએ કહ્યું કે, નેપાળના તમામ રાજકીય પક્ષો દ્વારા વારંવાર આશ્વાસન આપવા છતાં સંસદમાં સમજૂતીને મંજૂરી મળી રહી નથી. નેપાળમાં સમજૂતીના ટીકાકારોનું કહેવું છે કે, તે અમેરિકાની ઈન્ડો-પેસિફિક સૈન્ય વ્યૂહરચનાનો એક ભાગ છે. વોશિંગ્ટનમાં પણ ઘણા લોકો માને છે કે અમેરિકા ચીનના વધતા પ્રભાવને રોકવા માટે આવું કરી રહ્યું છે. જો કે, યુએસ સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટને લશ્કરી બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. તેને વિકાસ સાથે જોડીને તેમણે કહ્યું છે કે, નેપાળ સરકારની વિનંતી પર આ કરાર કરવામાં આવ્યો છે. જેને નેપાળના તમામ પક્ષોએ શરૂઆતથી જ સમર્થન આપ્યું છે.
નેપાળી નેતાઓને આપવામાં આવી ચેતવણી
ગયા અઠવાડિયે, કાઠમંડુ પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે, દક્ષિણ અને મધ્ય એશિયા માટેના યુએસ સહાયક રાજ્ય સચિવ ડોનાલ્ડ લુએ નેપાળના ટોચના નેતાઓ વડા પ્રધાન શેર બહાદુર દેઉબા, તેમના ગઠબંધન ભાગીદાર માઓવાદી પ્રમુખ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને વિપક્ષના નેતા કેપી શર્મા ઓલીને ચેતવણી આપી હતી. પરંતુ પહેલીવાર અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, તે પ્રોજેક્ટમાં વિલંબથી નારાજ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, તે નેપાળનો નિર્ણય હશે કે તે આ મંજૂરી આપે છે કે નહીં. પરંતુ સંસદે બાહ્ય પ્રભાવ અને ભ્રષ્ટાચારને કારણે તેને સમર્થન આપવામાં વિલંબ ન કરવો જોઈએ. આ અમેરિકા અને નેપાળના લોકો માટે નુકસાન હશે.
આ પણ વાંચો: શું રશિયા હેકિંગ દ્વારા યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ? અહેવાલમાં થયો ખુલાસો