રશિયાની રાજધાની મોસ્કો એક પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું હતું. આ વિસ્ફોટમાં રશિયન સેનાના એક ઉચ્ચ રેન્કિંગ જનરલ અને તેમના સહાયકનું મોત થયું છે. ઉચ્ચ કક્ષાના અધિકારીના મૃત્યુને રશિયા માટે યુક્રેન સાથેના યુદ્ધ સમયે મોટી ખોટ તરીકે જોવામાં આવી રહ્યું છે.
રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું કે, ન્યુક્લિયર, બાયોલોજિકલ, કેમિકલ ડિફેન્સ ફોર્સ (NBC)ના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવ મંગળવારે સવારે નિવાસસ્થાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે સ્કૂટરમાં છુપાયેલો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં તેમનું મોત થયું હતું.
વિસ્ફોટ બાદ લેવામાં આવેલી તસવીરોમાં ઈમારતનો દરવાજો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોઈ શકાય છે. આ ઉપરાંત આજુબાજુની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા અને બે બોડી બેગ પણ રાખવામાં આવી હતી.
બ્રિટને ઓક્ટોબરમાં કિરિલોવ પર પ્રતિબંધો લાદ્યા હતા. યુક્રેનમાં રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ પર નજર રાખી હતી અને ક્રેમલિન પ્રચાર માટે એક મહત્વપૂર્ણ મુખપત્ર તરીકે કામ કર્યું હોવાનું કહીને બ્રિટને પ્રતિબંધો લાદ્યા હતા. સોમવારે યુક્રેનની ગુપ્તચર એજન્સી SBUએ પણ તેના પર આરોપ લગાવ્યો અને ટેલિગ્રામ પર કહ્યું કે તે પ્રતિબંધિત રાસાયણિક હથિયારોના મોટા પાયે ઉપયોગ માટે જવાબદાર છે.
મોસ્કો પોલીસ અને તપાસકર્તાઓએ આ ઘટનાને આયોજનબદ્ધ હત્યા ગણાવી છે. મોસ્કોના દક્ષિણ-પૂર્વમાં રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં લગભગ 200 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં જનરલ કિરિલોવ અને તેમના સહાયકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રશિયન તપાસ સમિતિએ આ ઘટના અંગે હત્યાનો કેસ નોંધ્યો છે અને તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. પોલીસે કેમેરાના ફૂટેજ કબજે કરી શકમંદોની શોધખોળ હાથ ધરી છે.
લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવ 54 વર્ષના હતા. તેઓ રશિયાના રેડિયેશન, કેમિકલ અને બાયોલોજિકલ ડિફેન્સ ટ્રુપ્સના ચીફ હતા. તેઓ એક નીડર અને હિંમતવાન સૈન્ય અધિકારી તરીકે જાણીતા હતા, જેમણે અમેરિકા અને પશ્ચિમી દેશોના કથિત જૈવિક અને રાસાયણિક શસ્ત્રો પરિયોજના સામે ઘણા સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. આ સિવાય તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદાસ્પદ પરંતુ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા.