
ઈરાનમાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભડકાવનારા નિવેદનો અને સોશિયલ મીડિયા થકી અપાઈ રહેલ એક પ્રકારની ધમકીઓના પગલે, ઈરાનમાં પરિસ્થિતિને વધુ ખરાબ થઈ રહી છે. આ બધા વચ્ચે, હવે સમગ્ર ઈરાનમાં માર્શલ લો લાદવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેના પરિણામે અનેક લોકોના મોત થયા છે અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાન ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે માર્શલ લો લાદવામાં આવ્યો છે.
ઈરાનમાં દેખવકાર મહસા અમીનીના મૃત્યુ બાદ પ્રદર્શનકારીઓએ હિજાબ અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો યોજવાનું શરૂ કર્યુ હતુ. ઈરાનની સરકારે ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરવા સહિત, સરકાર વિરોધીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે માર્શલ લો લાદવામાં આવે છે, ત્યારે સરકાર લશ્કરી દળોને એક વિસ્તારનો નિયંત્રણ આપે છે અને સામાન્ય કાયદો અને વ્યવસ્થાને અસ્થાયી રૂપે સ્થગિત થઈ જાય છે. માર્શલ લો દરમિયાન, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સૈન્યને ખાસ સત્તાઓ આપવામાં આવે છે, જેમ કે કર્ફ્યુ અને અન્ય જરૂરી પ્રતિબંધો લાદવા. માર્શલ લો દરમિયાન, લશ્કર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર છે.
ઈરાનમાં વર્તમાન અરાજકતા જેવી પરિસ્થિતિ કોઈ પહેલીવાર નથી સર્જાઈ. અગાઉ પણ ઈરાનમાં આવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે જ માર્શલ લો લાદવાનો નિર્ણય સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવ્યો છે. ઈરાનમાં અગાઉ 8 સપ્ટેમ્બર, 1978 ના રોજ માર્શલ લો લાદવામાં આવ્યો હતો. તે સમયે શાહ મોહમ્મદ રેઝા પહલવીએ તેહરાન અને અન્ય મોટા શહેરોમાં માર્શલ લો જાહેર કર્યો હતો.
ઈરાનના રસ્તાઓ પર છેલ્લા 10 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. 28 ડિસેમ્બરે રાજધાની તેહરાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. બીજા જ દિવસે વિરોધ પ્રદર્શન આસપાસના અનેક શહેરોમાં ફેલાઈ ગયું. આ સમયગાળા દરમિયાન, વિરોધીઓ અને પોલીસ વચ્ચે અસંખ્ય અથડામણો થઈ છે. 1લી જાન્યુઆરી પછી વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. ખામેનીએ આ વિરોધીઓને તોફાની ગણાવ્યા. આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, અને હજારો લોકો હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.