
વિશ્વના સૌથી જુના અને લોકપ્રિય મેડિકલ જર્નલ્સ પૈકી એક ધ લેન્સેટે કરેલા દાવાએ સૌને ચોંકાવી દીધા છે. ધ લેન્સેટ ના રિપોર્ટમાં કહેવાયુ છે કે વર્ષ 2100 સુધીમાં માણસોનું અસ્તિત્વ સામે જોખમ ઉભુ થઈ શકે છે. તેનુ કારણ AI નો બેફામ અને વિચાર્યા વિનાનો ઉપયોગ તેમજ પરમાણુ યુદ્ધ જેવી ઘટનાઓ હોઈ શકે છે. આ ચેતવણી ધ લેન્સેટની હેલ્થ સાથે જોડાયેલી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. આ રિપોર્ટમાં 17 એવા મોટા જોખમો વિશે ટાંકવામાં આવ્યુ છે જે આવનારા 75 વર્ષમાં માનવજાતના અસ્તિત્વ અને ભલાઈ માટે સામે મોટુ જોખમ બની શકે છે. ટ
નવા જોખમોની ગંભીરતાનું મૂલ્યાંકન કરવા માટે, કમિશને ડિસેબિલિટી-એડજસ્ટેડ લાઇફ યર્સ (DALYs) ના આધારે સંભવિત નુકસાનની ગણતરી કરી. કમિશનના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે AI નો દુરુપયોગ અને પરમાણુ યુદ્ધના જોખમને કારણે આગામી 75 વર્ષમાં માનવજાત લુપ્ત થઈ શકે છે.
ટેકનોલોજી અને પરમાણુ યુદ્ધ ઉપરાંત પણ અનેક મોટા જોખમો છે. જેમાં જળવાયુ પરિવર્તન, બાળકોમાં કુપોષણ અને અમીર દેશો દ્વારા ગરીબ દેશોની આર્થિક સહાય બંધ કરવાનું સામેલ છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા આ 17 જોખમો એકબીજા સાથે સંકળાયેલા છે. કારણ કે તેઓ એકબીજાને પ્રભાવિત કરે છે. આથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ મળીને તેમનો સામનો કરવો પડશે.
સૌથી સારી બાબત એ છે કે વૈજ્ઞાનિકોએ આ તમામ જોખમો સામે બચવા અને તેનો સામનો કરવા માટેના સરળ ઉપાયો પણ સૂચવ્યા છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન માં ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનના ડાયરેક્ટર અને કમિશનના કો-ચેરમેન ક્રિસ્ટોફર મરેએ ચેતવ્યા છે કે નેતાઓ આજે જે નિર્ણયો લેશે, તેના પરથી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને સુખાકારી નક્કી થશે.
એટલુ જ નહીં હાલમાં જ એન્થ્રોપિકના ટોપ સેફ્ટી રિસર્ચર ઈવાન હુબિંગરે ચેતવણી આપી છે કે AI ટેક્નોલોજી તેજ ગતિએ આગળ વધી રહી છે. તેમનું માનવુ છે કે 10% થી વધુ આશંકા છે કે આવનારા 10 વર્ષમાં આ જોખમ સમગ્ર માનવ જાતિનો વિનાશ કરી શકે છે. તેમણે કહ્યુ કે અત્યારે જે મોડલ ઉપલબ્ધ છે, તે નબળુ છે પરંતુ ચિંતા એ છે કે આ ટેકનોલોજી ટૂંક સમયમાં ડેવલપ થઈને એટલી અદ્યતન બની શકે છે કે તે માનવજાતના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે.