
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે દેશની H-1B વિઝા સિસ્ટમ અને ઇમિગ્રેશન નિયમો પર ફરી એકવાર પોતાનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ભારતીય મૂળના વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ આપતા વેન્સે વિઝા પ્રોગ્રામમાં થતી ગેરરીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ સાથે જ તેમણે ભારતીય પ્રવાસીઓના અમેરિકી અર્થતંત્રમાં ફાળાના પણ વખાણ કર્યા હતા.
જેડી વેન્સે આ વિષય પર વાત કરતી વખતે પોતાના પરિવારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘H-1B સિસ્ટમમાં એક તરફ મોટી છેતરપિંડી થાય છે, તો બીજી તરફ એવા લોકો પણ છે જેમણે અહીં આવીને દેશને સમૃદ્ધ બનાવ્યો છે. આવા સારા લોકોમાં મારા સાસરી પક્ષના લોકો પણ સામેલ છે.’ ઉલ્લેખનીય છે કે જેડી વેન્સના પત્ની ઉષા વેન્સના માતા-પિતા આંધ્રપ્રદેશના વતની હતા, જેઓ અમેરિકામાં જઈને સ્થાયી થયા હતા.
#WATCH | On H1-B visa, US Vice President JD Vance says, “… On one hand, there is a lot of fraud in the H1-B system and on the other hand, there are people who came in and enriched the country, like my in-laws… One of the obligations of such citizens is that they must think… pic.twitter.com/GXhl9jtpTM
— ANI (@ANI) April 14, 2026
વેન્સે ભારતીય મૂળના પ્રવાસીઓ અને અન્ય વિદેશી કર્મચારીઓને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જે લોકો અમેરિકા આવે છે, તેમની પ્રથમ ફરજ એ છે કે તેઓ અમેરિકાના હિતોને પ્રાથમિકતા આપે. પ્રવાસીઓએ પોતાની જૂની ઓળખમાંથી બહાર આવીને પોતાને ‘અમેરિકન’ માનવા જોઈએ અને તે દેશ વિશે વિચારવું જોઈએ જ્યાં તેઓ અત્યારે રહી રહ્યા છે, નહીં કે તે દેશ વિશે જ્યાંથી તેઓ આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન હંમેશાથી વિઝા નિયમો પર કડક રહ્યું છે. જેડી વેન્સે પણ સરકારના આ વલણનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે નિયમોમાં કડકાઈ દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે અનિવાર્ય છે. ગત વર્ષે ટ્રમ્પે H-1B વિઝા પર $1,00,000 (આશરે 83 લાખ રૂપિયાથી વધુ) નો શુલ્ક લાદવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, હવે વિઝા અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલની પણ કડક સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે.
અમેરિકામાં H-1B વિઝા મેળવનારાઓમાં 80 ટકાથી વધુ લોકો ભારતીય અથવા ચીની નાગરિકો હોય છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિનું આ નિવેદન અને ટ્રમ્પ સરકારની કડક નીતિઓ આગામી સમયમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે પડકારજનક સાબિત થઈ શકે છે.