
જાપાન અત્યારે દુનિયાભરના ટેલેન્ટેડ યુવાનોને પોતાના દેશમાં આવકારવા આતુર છે અને તેમાં પણ ભારતીયો માટે ખાસ લાલ જાજમ બિછાવવામાં આવી છે. જાપાન સરકારે વર્ષ 2026 માટે LOTUS (લોટસ) પ્રોગ્રામ હેઠળ એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રોગ્રામ દ્વારા 1000 ભારતીય માસ્ટર્સ, પીએચડી સ્ટુડન્ટ્સ અને પોસ્ટડોક્ટરોલ રિસર્ચર્સને જાપાનની ટોપ યુનિવર્સિટીઓમાં રિસર્ચ કરવાની સુવર્ણ તક મળશે.
પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા ભારતીયોને રહેવા-જમવાના ખર્ચ માટે દર મહિને ₹1.4 લાખ (સ્ટાઈપેન્ડ) આપવામાં આવશે. આ એક ‘ફૂલી-ફંડેડ’ પ્રોગ્રામ છે, જેનો અર્થ છે કે જાપાનમાં રહેવા દરમિયાનનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. આ ઉપરાંત, રિસર્ચ દરમિયાન જાપાનમાં ફરવા અને અન્ય શૈક્ષણિક સહયોગ માટે અલગથી ફંડ પણ મળી શકે છે. જોકે, ભારતથી જાપાન જવા માટેનો ટ્રાવેલ ખર્ચ ઉમેદવારે પોતે ભોગવવો પડશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), બાયોટેકનોલોજી, એનર્જી, ક્વોન્ટમ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને ટેલિકોમ્યુનિકેશન જેવા ઉભરતા ક્ષેત્રોમાં રિસર્ચ કરનારાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 9 જૂન, 2026 છે. ઓગસ્ટના અંત સુધીમાં પરિણામ જાહેર થશે અને પસંદ થયેલા ઉમેદવારો ઓક્ટોબર 2026 થી જાપાનમાં પોતાનું સંશોધન શરૂ કરી શકશે. આ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ જાપાનમાં નોકરી મેળવવાની તકો પણ ખુલી શકે છે.