Breaking News : ‘સાવધાન, ક્યાંક તમે જ ન ભૂંસાઈ જાઓ !’ ટ્રમ્પની ધમકી સામે ઈરાને યાદ અપાવ્યો ઇતિહાસ

શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહી છે? અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 20 ગણો ભીષણ હુમલો કરવાની ધમકી આપી છે. જો કે, આના જવાબમાં ઈરાનના ટોચના અધિકારીએ પણ ટ્રમ્પને સાવધાન રહેવા અને પોતે જ ખતમ ન થઈ જાય તેવી ગંભીર ચેતવણી આપી છે.

Breaking News : સાવધાન, ક્યાંક તમે જ ન ભૂંસાઈ જાઓ ! ટ્રમ્પની ધમકી સામે ઈરાને યાદ અપાવ્યો ઇતિહાસ
| Updated on: Mar 10, 2026 | 8:09 PM

ઈરાનના એક ટોચના સુરક્ષા અધિકારીએ ઓનલાઈન મેસેજ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી આપી છે. અલી લારીજાનીએ મંગળવારે આ મેસેજ ત્યારે લખ્યો, જ્યારે ટ્રમ્પે તેહરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી તેલનો પુરવઠો રોકવા બદલ ઈરાન પર “વીસ ગણા વધુ” હુમલાની ધમકી આપી હતી.

લારીજાનીએ લખ્યું કે, “ઈરાનનું બલિદાની રાષ્ટ્ર તમારી પોકળ ધમકીઓથી ડરતું નથી. તમારાથી પણ મોટા લોકો ઈરાનને ખતમ કરી શક્યા નથી. સાવધાન રહેજો, ક્યાંક તમે પોતે જ ખતમ ન થઈ જાઓ.”

ભૂતકાળમાં ઈરાન પર ટ્રમ્પની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લાગી ચૂક્યો છે. એવામાં ઈરાનના લારીજાનીએ ટ્રમ્પને મેસેજ આપ્યો કે, આશુરાથી પ્રેરિત ઈરાની લોકો તમારી પોકળ ધમકીઓથી ડરતા નથી. તમારા કરતા ક્યાંય વધુ શક્તિશાળી તાકાતો પણ તેમને મિટાવવામાં નિષ્ફળ રહી છે… તેથી સાવધાન રહેજો, ક્યાંક તમે પોતે જ ગાયબ ન થઈ જાઓ!

ટ્રમ્પની ઈરાનને ધમકી

“જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના પ્રવાહને રોકવા માટે કોઈ પણ પગલું ભરશે, તો યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) તેના પર અત્યાર સુધી થયેલા હુમલાઓ કરતા 20 ગણો વધુ ભીષણ હુમલો કરશે. આ ઉપરાંત, અમે એવા લક્ષ્યોને આસાનીથી નષ્ટ કરી દઈશું કે, જેનાથી ઈરાન માટે એક રાષ્ટ્ર તરીકે ફરીથી ઊભા થવું લગભગ અશક્ય બની જશે. ઈરાનના પર મૃત્યુ, અગ્નિ અને ક્રોધનું શાસન હશે પરંતુ હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે, એવું ન થાય! આ યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ચીન અને એ તમામ દેશો માટે એક ભેટ છે કે, જેઓ હોર્મુઝની સામુદ્રધુનીનો મોટાપાયે ઉપયોગ કરે છે. આશા છે કે, આ પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!”

પીટ હેગસેથનો ઈરાન પર ‘મોટો આરોપ’

યુનાઇટેડ સ્ટેટ્સના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે (Pete Hegseth) કહ્યું કે, “છેલ્લા 47 વર્ષથી, ઈરાની શાસનના આ ક્રૂર નરાધમોએ આપણા સાથી સૈનિકોની (મારા સાથીઓની, તમારા સાથીઓની અને આપણા સૌના સાથીઓની) હત્યા કરી છે. આ લડાઈ સીધી આપણા હૃદયને સ્પર્શે છે. આપણી પેઢી આ સંઘર્ષને સારી રીતે સમજે છે.”

આ પણ વાંચો: ક્રૂડ આઈલ, ગેસ, વ્યાપાર અને હવે યુદ્ધની જ્વાળા ‘ડેટા સેન્ટરો’ સુધી પહોંચી, ભારતને ગ્લોબલ ક્લાઉડ હબ તરીકે મળશે તક !