
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર સતત હુમલાઓ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. આ ખાસ કરીને નોંધનીય છે, કારણ કે બંનેએ અઠવાડિયામાં બે વાર વાત કરી હતી, જે અમેરિકાની ચિંતા દર્શાવે છે. રસપ્રદ વાત એ છે કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોતાને ઈન્ટરનેશનલ પીસમેકર તરીકે રજૂ કરી રહ્યા છે, આ જ દાવો આજથી બે સપ્તાહ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશે કરતા જોવા મળ્યા હતા.
એક્સપર્ટ્સ માને છે કે ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ રશિયા માટે એક મોટા અવસર તરીકે આવ્યા છે. રશિયા માટે ખાડીમાં પોતાની હાજરી સ્થાપિત કરવાની અને પોતાને એક પ્રભાવશાળી શક્તિ તરીકે રજૂ કરવાની તક છે. બે અઠવાડિયા પહેલા સુધી, ટ્રમ્પ યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે મધ્યસ્થી કરી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે. મોસ્કોએ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી છે.
ક્રેમલિકના જણાવ્યા મુજબ, સોમવારે ટ્રમ્પ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન, પુતિને ઈરાન યુદ્ધના ડિપ્લોમેટિક સમાધાન માટે અનેક વિચાર સામે રાખ્યા છે. જે ખાડી દેશોના નેતાઓ, ઈરાની રાષ્ટ્રપતિ અને અન્ય દેશોના નેતાઓ સાથેના સંપર્ક પર આધારીત હતા. ખાસ બાબત એ છે કે ક્રેમલિન જ્યાં ઝડપથી તણાવ ઓછો કરવા માંગે છે, ત્યારે બીજીતરફ યુક્રેન સામેનું તેનુ યુદ્ધ હજુ ચાલુ રાખ્યુ છે.
પુતિનની સક્રિયતાનું એક કારણ ટ્રમ્પ સાથે સારા કાર્યકારી સંબંધ જાળવવાની તેમની ઇચ્છા છે. પુતિન માને છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સારા સંબંધો યુક્રેનમાં મોસ્કોના યુદ્ધ માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે પુતિને ટ્રમ્પ પ્રત્યે વ્યક્તિગત દુશ્મનાવટ ટાળીને ઈરાન માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું છે. નિષ્ણાતો કહે છે કે આ યુદ્ધ પુતિનને અન્ય તકો પૂરી પાડે છે.
ઈરાન યુદ્ધને પગલે વિશ્વભરમાં તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. જેનાથી રશિયન સરકારની રેવન્યુને સીધો ફાયદો થઈ રહ્યો છે. આનાથી રશિયાને યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ મળશે. રશિયાનું ફેડરલ બજેટ પ્રતિ બેરલ $59 ના દરે તેલ નિકાસ કરતા દેશ પર આધાર રાખે છે. પ્રતિબંધોને કારણે રશિયા તેલ વેચવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું.
પરંતુ આ સપ્તાહે, ગલ્ફ વોરના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક વધારો થયો અને લગભગ $120 પ્રતિ બેરલ થઈ ગયો, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હડકંપ મચી ગયો. દુનિયાભરમાં તેલને લઈને દબાણ વધવા લાગ્યુ. જેના કારણે ટ્રમ્પે સૂચન કર્યું કે અમેરિકા કેટલાક દેશો પરના તેલ સંબંધિત પ્રતિબંધો હટાવશે જેથી અછતને પહોંચી વળાય. વધુમાં, ભારત માટે 30 દિવસની રશિયા પાસેથી તેલ ખરીદીની છૂટની જાહેરાત કરવામાં આવી છે.
જો કે રશિયાએ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપતા અમેરિકાના નિવેદનની ટીકા કરી છે. રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે ભારતને રશિયન તેલ ખરીદવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. તેમણે અમેરિકાની તેના પાર્ટનરને બરાબરીનો દરજ્જો ન આપવાના વર્તનની પણ ટીકા કરી હતી.
રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાની મંજૂરી પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતને કોઈની પરવાનગીની જરૂર નથી. રશિયન રાજદૂતે એમ પણ કહ્યું હતું કે તેમનું માનવું છે કે ભારતીય અધિકારીઓએ પહેલાથી જ જવાબ આપ્યો છે. તેમણે વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદનની પણ પ્રશંસા કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા ગમે તેટલો પ્રયાસ કરે, તે વિશ્વમાંથી રશિયન તેલ દૂર કરી શકશે નહીં. ડેનિસ અલીપોવે આ નિવેદન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટના દાવા બાદ આપ્યું હતું કે યુએસ ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે.
RT ન્યૂઝ સાથેની મુલાકાતમાં, રશિયન રાજદૂતે કહ્યું, “મને લાગે છે કે ભારતીય અધિકારીઓએ પહેલાથી જ જવાબ આપી દીધો છે, વિદેશ મંત્રી જયશંકરે પણ જવાબ આપ્યો છે. ભારતને કોઈની પરવાનગીની જરૂર નથી. પરંતુ અમેરિકાનું આ વલણ તેના પાર્ટનર પ્રત્યે તેની વિચારસરણી અને વલણ દર્શાવે છે. મને નથી લાગતું કે અમેરિકા કોઈને પાર્ટનર તરીકે ઇચ્છે છે અથવા જુએ છે. જુનિયર પાર્ટનર, વધુમાં વધુ જરૂરિયાતો પૂરી કરે છે. અને દરેકે આ વાત સમજવી પડશે. અમેરિકાના બધા સારા ઇરાદા, ઈન્વેસ્ટમેન્ટ અને સારા કાર્યોની સાથે, રાજકીય પરિસ્થિતિઓ અને દબાણ પણ આવે છે. તમે ગ્લોબલ બાસ્કેટમાંથી રશિયન તેલને બાકાત રાખી શકતા નથી.”
આ તરફ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે મોટી વાત કહી છે. સોશિયલ મીડિય પોસ્ટમાં તેમણે જણાવ્યુ કે વિશ્વમાં તેલના ભાવોને સ્થિર રાખવામાં ભારત મહત્વપૂર્ણ રોલ અદા કરી રહ્યો છે.
બીબીસી રશિયન સંપાદક સ્ટીવ રોઝનબર્ગે લખ્યું છે કે જો રશિયા પરના તેલ પ્રતિબંધો હળવા કરવામાં આવે તો મોસ્કોને વધુને વધુ નાણાકીય લાભ થવાની અપેક્ષા રાખી શકે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકીએ ટ્રમ્પને આવુ ન કરવા વિનંતી કરી છે, અને કહ્યું છે કે તે કિવ માટે મોટા ફટકા સમાન હશે.
જોકે આને ડોનાલ્ડ ટ્રમ્પની મજબૂરી કહો કે બીજું કંઈ, પરંતુ જે રશિયન તેલ ખરીદી પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ભડકી રહ્યા હતા અને ભારત સહિત Russian Oilની ખરીદનારા દેશો પર ટેરિફ બોમ્બ ઝીંક્યા હતા. એ જ ટ્રમ્પના તેવર હવે બદલાયા છે. ન માત્ર ટ્રમ્પ, હાલ તેના મંત્રીઓના સૂર પણ બદલાયા છે. ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયેલના યુદ્ધથી દુનિયામાં મોટુ તેલ સંકટ ઉભુ થયા બાદ આ ફેરફાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાને અમેરિકા હવે આવશ્યક ગણાવી રહ્યા છે.
ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે, “ભારત વૈશ્વિક તેલના ભાવ જાળવવામાં મુખ્ય ભાગીદાર રહ્યું છે. અમેરિકા માને છે કે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવી આ પ્રયાસનો એક ભાગ છે. ભારત તેલના સૌથી મોટા ગ્રાહકો અને રિફાઇનરોમાંનો એક છે. અમેરિકનો અને ભારતીયો માટે બજારમાં સ્થિરતા લાવવા માટે આપણે સાથે મળીને કામ કરવું જરૂરી છે.”
મધ્ય પૂર્વ યુદ્ધ અને વધતા જતા તેલ સંકટ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિએ બે દિવસ પહેલા જ એક મોટો સંકેત આપ્યો હતો. તેમણે જાહેરાત કરી કે તેઓ તેલની અછતને રોકવા માટે ચોક્કસ દેશો પરના પ્રતિબંધો હટાવી રહ્યા છે. આનાથી ચર્ચા શરૂ થઈ છે કે શું અમેરિકા રશિયન તેલ પરનો પ્રતિબંધ પણ હટાવી શકે છે. ઈરાન યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થવા વચ્ચે, એવા અહેવાલો બહાર આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પરના તેલ પ્રતિબંધોને અસ્થાયી રૂપે હળવા કરવાનું વિચારી રહ્યા છે. ફ્લોરિડામાં પત્રકારો સાથે વાત કરતા, તેમણે જણાવ્યું હતું કે તેમનું પ્રશાસન ઓઈલ માર્કેટને સ્થિર કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે અને તેના ભાગ રૂપે, ચોક્કસ દેશો પરના પ્રતિબંધો હટાવી રહ્યા છે.
ટ્રમ્પના નિવેદન અંગે, તેમણે કહ્યું, “અમે કેટલાક દેશો પર પ્રતિબંધો લાદ્યા છે, જેને અમે હોર્મુઝ સ્ટ્રેટમાં શાંતિ પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી હટાવી રહ્યા છીએ. આ પગલાનો હેતુ મધ્ય પૂર્વ યુદ્ધને કારણે તેલ પુરવઠામાં વિક્ષેપો વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠાને વધારવાનો છે. અમે વૈશ્વિક તેલની અછતને મંજૂરી આપીશું નહીં.
અમેરિકાએ રશિયન તેલ પર ભારત પર 50% ઉચ્ચ ટેરિફ લાદ્યો હતો, અને ટ્રમ્પ અને તેમના મંત્રીઓએ યુક્રેન યુદ્ધમાં પુતિનને નાણાકીય સહાય તરીકે ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને ગણાવી હતી. નોંધનીય છે કે જ્યારે ટ્રમ્પે એપ્રિલ 2025 માં ટેરિફનો ધમધમાટ શરૂ કર્યો હતો, ત્યારે તેમણે ભારત પર 25% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો. જોકે, ઓગસ્ટમાં, તેમણે રશિયન તેલ આયાતને એક મુદ્દો ગણાવીને આ ટેરિફ બમણી કરીને 50% કરી દીધો હતો. જોકે, હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે.
Published On - 9:23 pm, Thu, 12 March 26