
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકી સેનાએ ઈરાનના બે તેલ ટેન્કર પર હુમલો કરી તેમને નિષ્ક્રિય કરી દીધા છે. એપી (AP) ના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં રાતભર બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, ત્યારબાદ આ સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) નું કહેવું છે કે, તેના પર ઈરાની મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આનાથી મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના વાદળો મંડરાવા લાગ્યા છે.
અમેરિકી સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાનના આ ટેન્કરો અમેરિકી નાકાબંધી (Blockade) તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમેરિકી સેનાએ જણાવ્યું કે, તેણે ઈરાનના બે ટેન્કરને નિષ્ક્રિય કરી દીધા છે, જે ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી અમેરિકી નાકાબંધીને તોડવાના પ્રયાસ કરી રહ્યા હતા. આના થોડા કલાકો પહેલા સેનાએ માહિતી આપી હતી કે, તેણે નૌકાદળના ત્રણ જહાજ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યા છે અને હોર્મુઝમાં સ્થિત ઈરાની સૈન્ય મથકો પર વળતો હુમલો કર્યો છે.
US fires on and disables 2 more Iranian tankers as tensions rise in the Strait of Hormuzhttps://t.co/xpIR7IGIO6
— Random Wars! (@wars_random) May 9, 2026
નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ જળમાર્ગને બંધ કરી દીધો છે, જેના કારણે ઇંધણના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે અને વિશ્વભરના બજારો હચમચી ગયા છે. એપ્રિલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી કરી દીધી હતી.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, જો ‘ઈરાન’ અમેરિકી હિતોને પડકારશે તો તેણે કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ઈરાની જહાજો પરના અમેરિકી હુમલાને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી છે અને તેને યુદ્ધવિરામ (Ceasefire) નું ઉલ્લંઘન ગણાવ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું હતું કે, તેમનો દેશ યુદ્ધવિરામ લંબાવવા અને શાંતિ સમજૂતી કરવા માટે અમેરિકા-ઈરાન સાથે દિવસ-રાત સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, યુદ્ધવિરામ માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ પર ઈરાન સહમત નથી. પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝમાં અવરજવરને લઈને ગતિરોધ યથાવત છે, તેવામાં હોર્મુઝમાં બનેલી આ ઘટનાએ વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે.
Published On - 5:40 pm, Sat, 9 May 26