અમેરિકાએ રશિયા બાદ હવે ઈરાનને લઈને આપી ધમકી, ઈરાન સાથે વેપાર કરશો તો લગાવશું 25% ટેરિફ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25% ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. જો આ લાગુ થશે તો ભારત પર તેલની કિંમતો, ઈરાન વેપાર અને ચાબહાર પોર્ટને લઈને અસર પડી શકે છે. ભારત-અમેરિકા સાથેના સંબંધોને જોતા અત્યંત સંતુલિત પ્રતિક્રિયા આપશે તેવુ હાલ તો જણાઈ રહ્યુ છે.

અમેરિકાએ રશિયા બાદ હવે ઈરાનને લઈને આપી ધમકી, ઈરાન સાથે વેપાર કરશો તો લગાવશું 25% ટેરિફ
| Updated on: Jan 13, 2026 | 9:11 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લાદવાની ધમકી આપી છે. આનો હેતુ ઈરાન પર દબાણ વધારવાનો છે. આ ટેરિફ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી, પરંતુ જો અમલમાં મૂકવામાં આવે તો તેની અસર ભારત પર પણ પડી શકે છે.

પહેલી અસર કાચા તેલના ભાવમાં જોવા મળી છે. આ સમાચાર બાદ, બ્રેન્ટ ક્રૂડના ભાવ $64 પ્રતિ બેરલથી ઉપર વધી ગયા છે, જે નવેમ્બર પછીનું સૌથી ઊંચું સ્તર છે. ભારત તેનું મોટાભાગનું તેલ વિદેશથી ખરીદે છે, તેથી તેલના ભાવમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા, મોંઘવારી અને દેશની અર્થવ્યવસ્થા પર પડે છે.

શું ઈરાન સાથે વેપાર ઘટાડવો પડશે?

ભારત અને ઈરાન વચ્ચેનો કુલ વાર્ષિક વેપાર $4 અબજ ડૉલરથી ઓછો છે. ભારત ઈરાનને ચોખા, ચા અને દવાઓની નિકાસ કરે છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા સાથેના તેના મજબૂત સંબંધોને કારણે, ભારત આ મર્યાદિત નિકાસ પર વધારાના 25% યુએસ ટેરિફનું જોખમ નહીં લઈ શકે. આનો અર્થ એ કે ભારતને ઈરાન સાથે વેપાર ઘટાડવાની ફરજ પડી શકે છે.

ભારતની સૌથી મોટી ચિંતા ઈરાનના ચાબહાર બંદરની છે. આ બંદર ઈરાનના દક્ષિણપશ્ચિમી કિનારા પર આવેલું છે અને ભારત માટે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે. ભારત આ બંદરનું સંચાલન લાંબા ગાળાના કરાર હેઠળ કરે છે. અમેરિકાએ તેને છ મહિનાની પ્રતિબંધ મુક્તિ આપી હતી, જે એપ્રિલ સુધી માન્ય હતી. જોકે, નવા ટેરિફ લાગુ થયા પછી આ મુક્તિ અસરકારક રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી.

ભારતે શું આપી પ્રતિક્રિયા?

ભારતે ટ્રમ્પના નિર્ણયનો જવાબ આપ્યો નથી. અમેરિકા સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે, તેથી મોદી સરકારનો અભિગમ સાવધ અને સંતુલિત રહેવાની શક્યતા છે. આ ટેરિફ ચીનને પણ અસર કરી શકે છે, કારણ કે તે ઈરાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને તેલ ખરીદનાર છે. જોકે, નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ ચીન સાથેના હાલના વેપાર સંતુલનને ખલેલ પહોંચાડવાનું ટાળી શકે છે.

શું ટેરિફનો મુદ્દો ઉકેલાશે?

મહત્વપૂર્ણ વાત એ છે કે, યુએસ સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં નક્કી કરી શકે છે કે શું ટ્રમ્પ પાસે IEEPA એક્ટ હેઠળ આવા ટેરિફ લાદવાનો અધિકાર છે. જો કોર્ટ આ વાતને સમર્થન આપે છે, તો સમગ્ર મુદ્દો શાંત પડી શકે છે.