ભારત અને ઈરાનનો માત્ર તેલ કે વેપારનો નહીં, બે પ્રાચીન સભ્યતાઓનો અતૂટ અને હજારો વર્ષ જુનો સંબંધ

ભારત અને ઈરાન વચ્ચેનો સંબંધ માત્ર આજની કૂટનીતિ, કાચા તેલ કે વ્યાપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે હજારો વર્ષ જૂના લોહી અને સભ્યતાનો સંબંધ છે. જ્યારે આપણે આ બંને મહાન સંસ્કૃતિના મૂળમાં જઈએ તો સમજાય છે કે આધુનિક સરહદો અસ્તિત્વમાં આવી તે પહેલાં આપણે એક જ વિશાળ સાંસ્કૃતિક પરિવારનો હિસ્સો હતા.

ભારત અને ઈરાનનો માત્ર તેલ કે વેપારનો નહીં, બે પ્રાચીન સભ્યતાઓનો અતૂટ અને હજારો વર્ષ જુનો સંબંધ
| Updated on: Mar 16, 2026 | 8:16 PM

હજારો વર્ષ જૂના ઇતિહાસ અને વિજ્ઞાનના પુરાવાઓ મુજબ, ઈસ પૂર્વે 2000 થી 3000 ની વચ્ચે ભારત અને ઈરાનના લોકો એક જ સમૂહનો ભાગ હતા. મધ્ય એશિયાના યુરેશિયન સ્ટેપીઝ વિસ્તારમાંથી નીકળેલો એક વિશાળ સમૂહ બે શાખાઓમાં વહેંચાઈ ગયો હતો. જે લોકો હિન્દુ કુશ પર્વતો ઓળંગીને ભારતના ફળદ્રુપ મેદાનોમાં આવ્યા તે ‘ઇન્ડો-આર્યન’ કહેવાયા, અને જેઓ ઈરાની પઠાર પર રોકાઈ ગયા તેઓ પ્રાચીન ‘ઈરાની’ તરીકે ઓળખાયા. આજના ભારતીયો અને ઈરાનીઓના પૂર્વજો હજારો વર્ષો પહેલા એક જ કબીલામાં સાથે રહેતા હતા.

સિધુ થી હિંદુસ્તાન નામ પાછળનો રસપ્રદ ઈતિહાસ

ભારતનું નામ ‘હિન્દુસ્તાન’ પડવા પાછળ પણ ઈરાની સભ્યતાનો મોટો ફાળો છે. . પ્રાચીન ફારસી ભાષામાં ‘સ’ અક્ષરનું ઉચ્ચારણ ‘હ’ તરીકે થતું હતું. પર્શિયન લોકો ‘સ’ નો ઉચ્ચાર ‘હ’ તરીકે કરતા હતા. આ જ કારણ છે કે ‘સિંધુ’નદીને તેઓ હિંદુ કહેતા હતા અને તેની આસપાસ રહેતા લોકોનો વિસ્તાર ‘હિન્દુસ્તાન’ કહેવાયો. રસપ્રદ વાત એ છે કે, બંને સભ્યતાના લોકો પોતાને ‘આર્ય’ કહેતા હતા, જેનો અર્થ ‘કુલીન’ કે ‘પોતાના સગા’ થાય છે. આ જ ‘આર્ય’ શબ્દ પરથી ‘ઈરાન’ નામની ઉત્પત્તિ થઈ છે, જેનો અર્થ ‘આર્યોની ભૂમિ’ થાય છે.

વેદ અને અવેસ્તા

ભારત અને ઈરાનના ધર્મગ્રંથોમાં પણ અદ્દભૂત સામ્યતા જોવા મળે છે. જ્યારે આ બંને સભ્યતાઓ અલગ થઈ, ત્યારે તેમણે પોતપોતાના ધર્મગ્રંથોની રચના કરી; ભારતમાં વેદો રચાયા અને ઈરાનમાં ‘અવેસ્તા’ની રચના થઈ. જો તમે ઋગ્વેદ અને અવસ્થાના મંત્રોની સરખામણી કરો, તો તેના વ્યાકરણ અને શબ્દોમાં ભારે સામ્યતા જોવા મળે છે.

સરહદોના વાડા બન્યા પહેલા નામ, ભાષા અને ઓળખ પણ એકબીજા સાથે ઉંડાણથી જોડાયેલી હતી. જ્યારે આ સભ્યતાઓ અલગ થઈ તો તેમણે તેના ભગવાન, ધર્મ અને ગ્રંથ કેવી રીતે બનાવ્યા. જ્યારે ઈન્ડો આર્યન લોકો ભારત આવ્યા તો તેમણે વેદોની રચના કરી અને જે લોકો ઈરાનમાં જ સ્થાયી રહ્યા તેમનુ ધાર્મિક પુસ્તક બન્યુ ‘અવેસ્તા’. આજે પણ ઋગ્વેદ અને પ્રાચીન ઈરાનના અવેસ્તાને સામસામે રાખીને જોશો ખ્યાલ આવશે કે બંનેના વ્યાકરણ, શબ્દ અને મંત્રો ઘણાખરા અંશે એક સરખા છે.

  • આપણે જેને ‘યજ્ઞ’ કહીએ છીએ, તેને ઈરાની ભાષામાં ‘યસ્ન’ કહેવાતું અને પવિત્ર ‘સોમ રસ’ને ત્યાં ‘હોમ’ કહેવામાં આવતું હતું
  •  જોકે, પાછળથી ધાર્મિક માન્યતાઓમાં પરિવર્તન આવ્યું અને આપણા જે ‘દેવ’ હતા તેમને ત્યાં ‘દવા’ એટલે કે ખરાબ આત્મા ગણવામાં આવ્યા અને આપણા ‘અસુર’ ને ત્યાં ‘અહુરા મઝદા’ તરીકે સર્વોચ્ચ ભગવાન માનવામાં આવ્યા
  • મૌર્ય સામ્રાજ્યની વાસ્તુકલા પર ઈરાની છાપ ઈરાન અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિક આપલે માત્ર વિચારો સુધી સીમિત નહોતો, પરંતુ તે પથ્થરોમાં પણ કંડારાયેલો છે.
  •  સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકના સમયમાં બંધાયેલા મહેલો અને ઈમારતો પર ઈરાની વાસ્તુકલાની ઊંડી અસર હતી.
  •  પાટલીપુત્રના વિશાળ મહેલોની ડિઝાઈન ઈરાનના ‘પર્સિપોલિસ’ મહેલોથી પ્રેરિત હતી.
  •  અશોક સ્તંભો બનાવવાની ટેકનિક અને અશોકના શિલાલેખો સંદેશા કોતરવાની શૈલી પણ ઈરાની રાજાઓ પાસેથી પ્રેરણા લઈને વિકસાવવામાં આવી હતી

દૂધમાં સાકરની જેમ ભળી જતા પારસી બંધુઓનું આગમન

સાતમી સદીમાં જ્યારે ઈરાન પર આરબોનું આક્રમણ થયું, ત્યારે પોતાની ધાર્મિક આઝાદી બચાવવા પારસીઓ ભારત આવ્યા. ગુજરાતના સંજાણ બંદરે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ત્યાંના રાજા જદી રાણાએ દૂધથી ભરેલો કટોરો મોકલીને ઈશારો કર્યો કે રાજ્ય ભરેલું છે. પરંતુ પારસી ધર્મગુરુએ તેમાં સાકર ભેળવીને એવો વાયદો કર્યો કે તેઓ ભારતીય સમાજમાં દૂધમાં સાકરની જેમ ભળી જશે અને મીઠાશ ફેલાવશે. આજે પારસી સમુદાય ભારતના વિકાસમાં તે જ મીઠાશ ઘોળી રહ્યો છે.

ભાષા અને શબ્દોનો અતૂટ વારસો ભારતની રોજિંદી ભાષામાં ઈરાની ફારસી શબ્દો એટલા વણાઈ ગયા છે કે આપણે તેને પારખી પણ શકતા નથી
સરકાર, જમીનદાર, અદાલત, કાનૂન, કાગળ, બજાર, શહેર, દુકાન, રંગ અને ‘શાકભાજી’ જેવા શબ્દો સીધા ફારસીમાંથી આવ્યા છે
ફારસી, અરબી અને ભારતની ખડી બોલીના સંગમથી ‘ઉર્દુ’ જેવી મધુર ભાષાનો જન્મ થયો. હજારો વર્ષ જૂની આ ભાષાકીય આપ-લે આજે પણ આપણા સંવાદોમાં જીવંત છે

કાશ્મીરથી લઈને સમોસા સુધી

કલા અને સ્વાદનો સંગમ ભારતની જન્નત ગણાતા કાશ્મીરને ‘પૂર્વનું ઈરાન’ કે ‘મિની ઈરાન’ કહેવામાં આવે છે. 14મી સદીમાં ઈરાનથી આવેલા કારીગરોએ કાશ્મીરીઓને પશ્મીના શાલ, ગાલીચા અને પેપર મેશ જેવી કળાઓ શીખવી હતી. ખાણીપીણીની વાત કરીએ તો, આપણું પ્રિય સ્ટ્રીટ ફૂડ ‘સમોસા’ અસલમાં ઈરાની ‘સનબુસાગ’ છે. આ ઉપરાંત, બિરયાની, પુલાવ અને કબાબ જેવી વાનગીઓ પણ ઈન્ડો-ઈરાની સંબંધોની જ દેન છે

સંગીત અને તહેવારોમાં સમાન સંવેદનાઓ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અમીર ખુસરોએ ફારસી અને ભારતીય ધુનોને મિલાવીને એક નવી જ લહેર પેદા કરી હતી. સિતાર જેવું પ્રખ્યાત વાદ્ય પણ ઈરાની ‘સેતાર’ માંથી વિકસ્યું છે. એટલું જ નહીં, નવરોઝ જેવા તહેવારો અને મૌસમ બદલવાની ઉજવણી કરવાની રીતોમાં પણ બંને દેશો વચ્ચે અદભૂત સમાનતા જોવા મળે છે. કૂટનીતિ અને ભવિષ્યનો વ્યૂહાત્મક માર્ગ વર્તમાન સમયમાં જ્યારે મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે, ત્યારે ભારત માટે ઈરાન સાથેના સંબંધો કૂટનીતિક રીતે અત્યંત મહત્વના છે. ઈરાનનું ‘ચાબહાર બંદર’ ભારત માટે મધ્ય એશિયા અને રશિયા સુધી પહોંચવાનો રસ્તો ખોલે છે.

રાજકીય સમીકરણો ભલે ગમે તેટલા બદલાય, પરંતુ ભારત અને ઈરાનનો સંબંધ માત્ર તેલ કે વેપારનો નથી, પરંતુ તે ઇતિહાસની ઊંડાઈમાં રહેલા અતૂટ મૂળનો છે. ભારત અને ઈરાન બે અલગ દેશો હોવા છતાં તેમની સભ્યતાના આત્મા એકબીજા સાથે હજારો વર્ષોથી જોડાયેલા છે. આ સાંસ્કૃતિક અને આર્થિક તાણાવાણા કોઈપણ યુદ્ધના તોફાન સામે અડીખમ ઊભા રહેવાની તાકાત ધરાવે છે.

Bumrah Love story: સંજનાને જોવા માટે તરસી ગઈ હતી આંખો, એક પળની પણ દૂરી સહન નહોતો કરી શક્તો- એક મેસેજથી બની ગઈ બુમરાહની જોડી

Published On - 8:16 pm, Mon, 16 March 26