સમુદ્રી લૂંટારા અને આતંકવાદ પર ભારત-સોમાલિયા આવ્યા સાથે, મોગાદિશુમાં સમુદ્રી સુરક્ષા પર મંથન
ભારત અને સોમાલિયાએ મોગાદિશુમાં પ્રથમ વિદેશ કાર્યાલય મંત્રણા દરમિયાન સમુદ્રી લૂંટ, જહાજોની હાઇજેકિંગ, આતંકવાદ અને સંરક્ષણ સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષાના પડકારો વચ્ચે ભારત અને સોમાલિયાએ સમુદ્રી લૂંટ અને જહાજોની હાઇજેકિંગનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. મોગાદિશુમાં બંને દેશો વચ્ચે યોજાયેલી પ્રથમ વિદેશ કાર્યાલય મંત્રણામાં જહાજોની સુરક્ષા અને દરિયાઈ ખલાસીઓની સલામતીનો મુદ્દો મુખ્યત્વે ઉઠ્યો હતો. ભારત અને સોમાલિયા વચ્ચેની પ્રથમ વિદેશ કાર્યાલય મંત્રણામાં દ્વિપક્ષીય સંબંધોના તમામ મુખ્ય પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બંને દેશોએ વેપાર અને રોકાણ, આરોગ્ય, દવા, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (SME), વિકાસ ભાગીદારી, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર વિસ્તારથી ચર્ચા કરી હતી.
સમુદ્રી ક્ષેત્રમાં વધતી જતી હાઇજેકિંગ અને સમુદ્રી લૂંટની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતાં બંને પક્ષોએ આ પડકારોનો અસરકારક રીતે સામનો કરવાની જરૂરિયાત પર સંમતિ વ્યક્ત કરી હતી.
આતંકવાદ પર બંને દેશોનું કડક વલણ
મંત્રણામાં બંને દેશોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની સ્પષ્ટપણે નિંદા કરી હતી. આ ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુપક્ષીય મંચો પર ભારત અને સોમાલિયા વચ્ચે બહેતર સંકલન અને સહયોગની પ્રશંસા કરવામાં આવી હતી.
ભારત અને સોમાલિયા વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારત સોમાલિયાના ટોચના ત્રણ વેપારી ભાગીદારોમાં સામેલ છે. સોમાલિયાના નાગરિકો તબીબી સારવાર અને ઉચ્ચ શિક્ષણ માટે પણ ભારતને એક મુખ્ય સ્થળ માને છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને જનસ્તરીય સંપર્ક પણ દ્વિપક્ષીય સંબંધોનો મહત્વપૂર્ણ હિસ્સો છે.
પરસ્પર સહયોગ પર બની સંમતિ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ‘એક્સ’ (X) પર લખ્યું કે, આજે મોગાદિશુમાં પ્રથમ ઇન્ડિયા-સોમાલિયા ફોરેન ઓફિસ કન્સલ્ટેશન યોજાઈ હતી, જેની સહ-અધ્યક્ષતા જોઈન્ટ સેક્રેટરી (WANA) અને પરમેનન્ટ સેક્રેટરી, MOFA સોમાલિયાએ કરી હતી.
The first India-Somalia Foreign Office Consultations was held at Mogadishu today, co-chaired by Joint Secretary (WANA) and Permanent Secretary, MOFA Somalia.
The meeting reviewed the entire gamut of India-Somalia bilateral relations and discussed ways to further strengthen it across political, security, economic and socio-cultural pillars. They identified cooperation in trade & investment, SME, health & pharma, capacity building, counter-terrorism & maritime security as priorities. They also discussed regional and international issues of mutual interest.
— Randhir Jaiswal (@MEAIndia) November 15, 2026
તેમણે જણાવ્યું કે બેઠકમાં ઇન્ડિયા-સોમાલિયા દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી અને રાજકીય, સુરક્ષા, આર્થિક તથા સામાજિક-સાંસ્કૃતિક સ્તંભો પર તેને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી. તેમણે વેપાર અને રોકાણ, SME, હેલ્થ અને ફાર્મા, કેપેસિટી બિલ્ડિંગ, કાઉન્ટર-ટેરરિઝમ અને મેરીટાઇમ સિક્યોરિટીમાં સહયોગને પ્રાથમિકતા તરીકે ઓળખાવ્યા હતા. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
