યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલા (Russia Ukraine War) વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ (Sergey Lavrov) ભારતની મુલાકાતે છે. ભારતમાં પત્રકારો સાથે વાત કરતા લવરોવે કહ્યું કે ભારત અમારી પાસેથી જે પણ સામાન ખરીદવા માંગે છે તેને સપ્લાય કરવા અમે તૈયાર છીએ. અમે ભારત સાથે ગમે ત્યારે ચર્ચા કરવા તૈયાર છીએ. રશિયા અને ભારતના ઘણા સારા સંબંધો છે. લવરોવે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેની વાતચીત એ સંબંધોને દર્શાવે છે જે આપણે ભારત સાથે ઘણા દાયકાઓથી વિકસાવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી છે. તેના આધારે અમે તમામ ક્ષેત્રોમાં અમારા સહયોગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.
રશિયાના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ સુરક્ષા પડકારોના કિસ્સામાં ભારતને સમર્થન આપવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે હું માનું છું કે ભારતીય વિદેશ નીતિઓ સ્વતંત્રતા અને વાસ્તવિક રાષ્ટ્રીય કાયદેસરના હિતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લવરોવે કહ્યું, અમે ઘણા સમયથી ઘણા પ્રકારના પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છીએ. જ્યાં સુધી ભારતનો સંબંધ છે, ભારત અને રશિયા વચ્ચે રૂબલ-રૂપી દ્વારા વેપાર ઘણો વધ્યો છે. ભારતને જરૂરી તમામ સામાન ભારતને આપવા માટે અમે તૈયાર છીએ.
યુરોપને ગેસ સપ્લાય કરવાના મુદ્દે રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે યુરોપને તેમના ચલણમાં ગેસ આપતા હતા અને તેઓ તેને જપ્ત કરી લે છે. તેથી જ અમે રૂબલમા ચુકવણી દ્વારા ગેસ સપ્લાય માટેની કાર્યપધ્ધતિ અપનાવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવામાં ભારતની કોઈપણ ભૂમિકા પર બોલતા, રશિયન વિદેશ પ્રધાન લવરોવે કહ્યું, “મેં એવું કંઈ સાંભળ્યું નથી.”
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે જે સ્થિતિમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેમાં ભારતનું સ્ટેન્ડ ઘણું સારું રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતે તેના રાષ્ટ્રીય હિતમાં નિષ્પક્ષતાની નીતિ અપનાવી છે અને તે કોઈપણ રીતે અમેરિકન દબાણમાં આવ્યું નથી. તેણે કહ્યું કે હું ભારત એટલા માટે આવ્યો છું કારણ કે અમે મિત્રો છીએ અને મિત્રો એકબીજાની મુલાકાત લેતા રહે છે.
વિદેશ મંત્રી લવરોવ ભારત આવતા પહેલા ચીનના પ્રવાસે હતા. તેમની નવી દિલ્હીની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહ અને યુકેના વિદેશ મંત્રી લિઝ ટ્રસ પણ ભારતની મુલાકાતે આવ્યા છે. ગયા અઠવાડિયે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ અચાનક નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. જ્યારે ઈન્ડો-પેસિફિક માટે યુરોપિયન યુનિયનના વિશેષ દૂત ગેબ્રિયલ વિસેન્ટિને પણ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. અમેરિકાના રાજનૈતિક બાબતોના નાયબ સચિવ વિક્ટોરિયા નુલેન્ડ પણ ગયા મહિને ભારતની મુલાકાતે આવ્યા હતા.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ