વડાપ્રધાન શાહબાઝ શરીફે, પાકિસ્તાનમાં લક્ઝરી વાહનોમાં વપરાતા હાઈ-ઓક્ટેન ફ્યુઅલ પર લાગુ થતી લેવીમાં વધારો કરવા માટે મંજૂરી આપી છે. દર 100 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને હવે 300 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની અછતને કારણે સરકારી વાહનો અને ઓફિસમાં હાજરી ઓછી કરી દેવાઈ છે તેથી વીડિયોલિંક દ્વારા યોજાયેલ બેઠકની અધ્યક્ષતા કરતી વખતે, શાહબાઝ શરીફે નિર્દેશ આપ્યો કે, હાઈ-ઓક્ટેન ફ્યુઅલ પર લેવી વધારવામાં આવે, જેથી સમાજનો શ્રીમંત વર્ગ અર્થતંત્રમાં વધુ નોંધપાત્ર યોગદાન આપી શકે. તેમણે જણાવ્યું હતું કે આ પગલું રાષ્ટ્રીય સંસાધનો પરનુ ભારણ ઘટાડશે અને વધારાની આવક પેદા કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ જનતાને રાહત આપવા માટે કરવામાં આવશે.
અધિકારીઓના મતે, આ નિર્ણયથી સરકારને માસિક આશરે 9 અબજ રૂપિયાની બચત થવાની ધારણા છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે આ બચતનો લાભ રાહત પગલાંના રૂપમાં જનતાને આપવામાં આવશે.
મીટિંગ દરમિયાન, એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, માનક વાહનોમાં વપરાતા ઇંધણના ભાવમાં કોઈ વધારો થશે નહીં. પરિણામે, આ નિર્ણયની જાહેર પરિવહન ભાડા અથવા વિમાન ભાડા પર કોઈ અસર થશે નહીં. બેઠકમાં ફેડરલ કાયદા પ્રધાન આઝમ નઝીર તરાર, નાણા પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબ, માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરાર, પેટ્રોલિયમ પ્રધાન અલી પરવેઝ મલિક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પહેલા, વડાપ્રધાને હાઇ-ઓક્ટેન ઇંધણ સંબંધિત મુદ્દા પર ધ્યાન આપ્યું હતું અને સંબંધિત મંત્રાલયને નીતિ માળખું બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
અગાઉ, 6 માર્ચે, પાકિસ્તાનની સંઘીય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયાના તોંતીગ વધારાની જાહેરાત કરી હતી. આનું કારણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના પરિણામે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ જાહેરાત મુજબ, પેટ્રોલના ભાવ પ્રતિ લિટર પાકિસ્તાની રૂપિયા 266.17 થી વધીને 321.17 પ્રતિ લિટર પાકિસ્તાની રૂપિયા થયા, જ્યારે આ સુધારા બાદ, ડીઝલના ભાવ પ્રતિ લિટર 280.86 થી વધીને 335.86 પ્રતિ લિટર પાકિસ્તાની રૂપિયા થયા.
Published On - 2:53 pm, Mon, 23 March 26