Breaking News : હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબમાં વધ્યો તણાવ, ભારત પર શું થશે અસર?

હોર્મુઝ અને બાબ અલ-મંદેબમાં વધતા તણાવથી વૈશ્વિક તેલ પુરવઠો અને દરિયાઈ વેપાર જોખમમાં છે. આ સંકટને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. ભારત તેની તેલ જરૂરિયાત માટે આયાત પર નિર્ભર હોવાથી, આ તણાવથી પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુઓના ભાવ વધશે.

Breaking News : હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબમાં વધ્યો તણાવ, ભારત પર શું થશે અસર?
| Updated on: Sep 15, 2026 | 10:25 PM

હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંદેબમાં વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ સપ્લાય અને દરિયાઈ વેપારને લઈને ચિંતા વધી છે. વિશ્વના આ બંને મહત્વના દરિયાઈ માર્ગો જો લાંબા સમય સુધી અસુરક્ષિત રહે તો તેની અસર ક્રૂડ ઓઈલના ભાવથી લઈને ભારતના વેપાર અને સામાન્ય લોકોના ખર્ચ સુધી જોવા મળી શકે છે.

એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર પર અસર થઈ રહી છે. બીજી તરફ યમનના હૂતી સંગઠનની વધતી વ્યૂહાત્મક પકડને કારણે બાબ અલ-મંદેબને લઈને પણ ચિંતા વધી છે. હૂતી સંગઠને બાબ અલ-મંદેબ નજીક આવેલા માયૂન એટલે કે પેરીમ ટાપુ સુધી પહોંચ બનાવ્યાનો દાવો કર્યો છે. આ ટાપુની સ્થિતિ વ્યૂહાત્મક હોવાથી અહીંથી પસાર થતા જહાજોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

જોકે, હાલ બાબ અલ-મંદેબ પર હૂતીનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનું સ્પષ્ટ નથી. હૂતી તરફથી સાઉદી અરેબિયાને છોડીને અન્ય દેશોના જહાજોને આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે હાલ મુખ્ય ખતરો આ દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે બંધ થવાનો નહીં, પરંતુ જહાજોની સુરક્ષા અને વેપારમાં વિક્ષેપનો છે.

જો હોર્મુઝ અને બાબ અલ-મંદેબ બંને લાંબા સમય સુધી પ્રભાવિત થાય તો જહાજોને લાલ સમુદ્ર અને સુએઝ કેનાલના બદલે આફ્રિકાના દક્ષિણ છેડે આવેલા કેપ ઓફ ગુડ હોપ મારફતે જવું પડી શકે છે. આ રૂટથી મુસાફરીમાં હજારો નોટિકલ માઈલનો વધારો થઈ શકે છે અને માલ પહોંચવામાં 10થી 14 દિવસ જેટલો વધારાનો સમય લાગી શકે છે. પરિણામે ઈંધણ અને શિપિંગ ખર્ચ પણ વધી શકે છે.

આ સંકટની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં પણ જોવા મળી રહી છે. 11 સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ લગભગ 104.61 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું અને તે સપ્તાહ દરમિયાન તેમાં 8 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. બંને રૂટમાં ગંભીર વિક્ષેપ સર્જાય તો ક્રૂડ ઓઈલ 150થી 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે.

ભારત માટે આ સ્થિતિ ખાસ મહત્વની છે. ભારત પોતાની ક્રૂડ ઓઈલ જરૂરિયાતનો આશરે 88થી 89 ટકા હિસ્સો આયાત કરે છે, જ્યારે LPGની જરૂરિયાતનો મોટો હિસ્સો પણ આયાતથી પૂરો થાય છે. તેથી તેલ અને શિપિંગ ખર્ચ વધે તો પેટ્રોલ-ડીઝલથી લઈને અન્ય વસ્તુઓના ભાવ પર પણ દબાણ આવી શકે છે.

સાથે જ ભારત-યુરોપ વેપારને પણ અસર થઈ શકે છે. લાંબા દરિયાઈ રૂટને કારણે દવાઓ, કેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, એન્જિનિયરિંગ સામાન અને ઓટોમોબાઈલ જેવા માલની ડિલિવરી મોંઘી અને ધીમી થઈ શકે છે.

એટલે હોર્મુઝ અને બાબ અલ-મંદેબનો તણાવ માત્ર મધ્ય પૂર્વનો મુદ્દો નથી. જો સ્થિતિ લાંબી ચાલે તો તેની અસર વૈશ્વિક બજાર મારફતે ભારત અને સામાન્ય લોકોના રોજિંદા ખર્ચ સુધી પહોંચી શકે છે.

અમેરિકાએ અવકાશમાં શસ્ત્રો તૈનાત કર્યાની કરી કબૂલાત, રશિયા-ચીન સાથે તણાવ વધ્યો!

Follow Us
Loading...
Unable to load recommendations.