
1945ના યાલ્ટા સંમેલનના આશરે 81 વર્ષ બાદ દુનિયાની ત્રણ મહાસત્તાઓના નેતાઓ એક મંચ પર મળવાની તૈયારીમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સંભવિત મુલાકાતને લઈને વૈશ્વિક રાજકારણમાં ચર્ચા તેજ બની છે. ચીનના શેનઝેનમાં યોજાનારી આ બેઠક શું દુનિયાની નવી રાજકીય વ્યવસ્થાનો પાયો નાખશે? યુક્રેન અને યુરોપને શા માટે સતાવી રહ્યો છે 1945ના યાલ્ટા સંમેલન જેવો ભય?
ફેબ્રુઆરી 1945માં બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા દરમિયાન અમેરિકા, બ્રિટન અને સોવિયત સંઘના નેતાઓ ક્રિમિયાના યાલ્ટા શહેરમાં એકત્ર થયા હતા. આ બેઠકમાં યુદ્ધ બાદ દુનિયાની વ્યવસ્થા કેવી હશે, જર્મનીનું ભવિષ્ય શું હશે અને યુરોપમાં કઈ મહાસત્તાનો કેટલો પ્રભાવ રહેશે જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. હવે આશરે 81 વર્ષ બાદ ફરી એકવાર અમેરિકા, રશિયા અને ચીનના નેતાઓની સંયુક્ત મુલાકાતની શક્યતાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.
18થી 19 નવેમ્બરે યોજાનારા એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સંમેલન દરમિયાન ત્રણેય નેતાઓની પ્રથમ સંયુક્ત મુલાકાત પ્રસ્તાવિત હોવાનું કહેવાય છે. જોકે, અગાઉ ત્રણેય નેતાઓ એકબીજાને અલગ-અલગ પ્રસંગે મળી ચૂક્યા છે, પરંતુ એકસાથે બેઠક કરી નથી.
4થી 11 ફેબ્રુઆરી 1945 દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ, બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયત સંઘના નેતા જોસેફ સ્ટાલિન યાલ્ટામાં મળ્યા હતા. આ બેઠકમાં જર્મનીને અલગ-અલગ કબજાવાળા વિસ્તારોમાં વહેંચવા, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની પ્રક્રિયાને આગળ વધારવા અને સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોને વીટો પાવર આપવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જોકે, યુદ્ધ બાદ પૂર્વ યુરોપમાં સોવિયત સંઘનો પ્રભાવ વધતાં આ સમજૂતી સામે સવાલો ઊભા થયા હતા.
શેનઝેનની સંભવિત બેઠકને લઈને યુક્રેન અને યુરોપમાં ચિંતા જોવા મળી રહી છે. યુક્રેનને આશંકા છે કે તેની ગેરહાજરીમાં મહાસત્તાઓ તેના ભવિષ્ય અંગે કોઈ સમજૂતી કરી શકે છે. બીજી તરફ યુરોપિયન દેશોને પણ ડર છે કે અમેરિકા અને રશિયા તેમના હિતોને અવગણીને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ આ સ્થિતિની સરખામણી યાલ્ટા સંમેલન સાથે કરી છે.
આ બેઠકમાં પરમાણુ હથિયારો પર નિયંત્રણ, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન સાથેના સંઘર્ષ જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ બની શકે છે. ટ્રમ્પ પરમાણુ હથિયારોને મર્યાદિત કરવા માટે નવા કરારની ઇચ્છા ધરાવે છે, જેમાં ચીનને પણ સામેલ કરવા માંગે છે. જોકે, ચીનનું કહેવું છે કે અમેરિકા અને રશિયાની સરખામણીએ તેની પાસે પરમાણુ હથિયારોની સંખ્યા ઘણી ઓછી છે.
આ બેઠકનું સૌથી મોટું મહત્વ તેનું વૈશ્વિક રાજકીય સંદેશ છે. પુતિન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાની સ્થિતિ મજબૂત દર્શાવવાની તક હશે, જ્યારે જિનપિંગ ચીનની વધતી શક્તિ રજૂ કરી શકશે. બીજી તરફ ટ્રમ્પ પોતાની વૈશ્વિક કૂટનીતિને આગળ વધારવાનો પ્રયાસ કરશે. જોકે, ત્રણેય દેશોના હિતો અલગ હોવાથી આ બેઠકમાં કોઈ ઐતિહાસિક સમજૂતી થશે કે નહીં તે કહેવું હાલ વહેલું છે. દુનિયાની નજર હવે શેનઝેનમાં થનારી આ સંભવિત બેઠક પર ટકેલી છે.
ઈરાની IRGC એ બહેરીનમાં અમેરિકાના રડાર સ્ટેશન પર કર્યો ડ્રોન હુમલો