
સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સંઘમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે, વર્તમાન તણાવભરી સ્થિતિમાં પાકિસ્તાનને સણસણતા તમાચા જેવો જવાબ આપતા ‘આતંકીસ્તાન દેશ’ ગણાવ્યો છે અને કહ્યું છે કે પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંકવાદને વૈશ્વિક આશ્રય આપે છે અને સમગ્ર ક્ષેત્રમાં અશાંતિ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે. યુએનની આતંકવાદ વિરોધી બેઠકમાં, યોજના પટેલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમા ઈલેક્ટ્રોનિક મીડિયામાં આપેલા ઈન્ટરવ્યુંને ટાંકીને કહ્યું કે, અત્યાર સુધી અમે કહેતા હતા, હવે તો પાકિસ્તાનના રક્ષાપ્રધાન પણ ગાઈ વગાડીને જાહેરમાં કહી રહ્યાં છે કે, પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. યોજના પટેલે વધુમાં કહ્યું કે જ્યારે પાકિસ્તાન પોતે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું સ્વીકારે છે, ત્યારે હવે વિશ્વએ આ ખતરનાક દેશના સત્યને સહેજે પણ અવગણવું જોઈએ નહીં.
યોજના પટેલે સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી બેઠકમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના ઈન્ટરવ્યુંને આક્રમકતાથી ઉઠાવ્યુ. તેમણે કહ્યું કે આસિફે પોતે જ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને તાલીમ આપે છે અને તેમને તેના માટે પૈસા પણ આપે છે. પટેલે કહ્યું, “જો પાકિસ્તાનના પોતાના મંત્રી આ વાત જાહેરમાં સ્વીકારે છે, તો તે હવે કોઈ વાત છુપી રહેવા પામી નથી. આતંકવાદ ફેલાવવાનો પાકિસ્તાનનો ચહેરો હવે સમગ્ર વિશ્વમાં ખુલ્લો પડી ગયો છે અને તે પણ પાકિસ્તાનના રક્ષાપ્રધાન દ્વારા.”
તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ભૂતકાળમાં પણ આતંકવાદીઓને આશ્રય આપતું રહ્યું છે, અને આ કોઈ નવી વાત નથી. 22 એપ્રિલ 2025માં કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો તેનું તાજેતરનું ઉદાહરણ છે, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા. પટેલે કહ્યું કે 2008ના મુંબઈ હુમલા પછી 2025નો હુમલો ભારતમાં સૌથી મોટો આતંકવાદી હુમલો છે અને તેમાં પાકિસ્તાનની ભૂમિકા સંપૂર્ણપણે સ્પષ્ટ છે.
Amb. DPR @PatelYojna delivered India’s statement at the launch of the Victims of Terrorism Association Network. (1/2) @MEAIndia @UN pic.twitter.com/1fd7arhjXy
— India at UN, NY (@IndiaUNNewYork) April 28, 2025
પાકિસ્તાનની આકરી ટીકા કર્યા બાદયોજના પટેલે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી. તેમણે ભારતને ટેકો આપવા બદલ યુએન અને અન્ય દેશોનો આભાર માન્યો અને કહ્યું કે, ભારત આતંકવાદના પીડિતોને ક્યારેય ભૂલશે નહીં અને તેમને ન્યાય અપાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરશે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં એક ઈન્ટરવ્યુંમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપે છે અને તેમને ભંડોળ પૂરું પાડે છે. આસિફે કહ્યું, “અમે છેલ્લા 30 વર્ષથી અમેરિકા માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.” આ સાથે, તેમણે એ પણ સ્વીકાર્યું કે લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો હવે પાકિસ્તાનમાં હાજર નથી. આ નિવેદન આતંકવાદ પ્રત્યે પાકિસ્તાનના વલણ વિશે સત્યને ઉજાગર કરે છે, જેને દુનિયાએ સહેજે પણ અવગણવું જોઈએ નહીં.
આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.