એક સમયે પીવાના પાણી માટે તરસતુ, ભૂખમરાથી પીડાતા આ શહેરે રણપ્રદેશમાંથી કેવી રીતે ઉભુ કર્યુ અમીરીનું સામ્રાજ્ય- વાંચો
આજે દુબઈનું નામ આવે એટલે આંખ સામે ગગનચુંબી ઇમારતો, લક્ઝરી કાર, સોનાના બજારો, વૈભવી હોટેલ્સ અને ભવ્ય જીવનશૈલી નજર સામે તરવરે છે. 828 મીટર ઊંચું બુર્જ ખલીફા, દરિયાની વચ્ચે કરોડો ઘનમીટર રેતીથી તૈયાર કરાયેલો પામ જુમેરા ટાપુ અને રણપ્રદેશની વચ્ચે આવેલો અદ્ભુત સ્વિમિંગ પૂલ. દુબઈએ જાણે કુદરતના નિયમોને પડકાર આપીને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. આજે દુનિયાના 200થી વધુ દેશોના લોકો અહીં વસે છે. મોટા ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ અને અબજોપતિઓ માટે દુબઈ રહેવાનું પસંદગીનું સ્થળ બની ગયું છે. પરંતુ શું દુબઈ પહેલેથી આવું જ વૈભવી હતું? શું અહીં શરૂઆતથી જ પૈસાનો વરસાદ થતો હતો? હકીકત એ છે કે આજથી લગભગ 200 વર્ષ પહેલાં આ જ જમીન પર જીવન શક્ય જ ન હતુ. તો પછી કેવી રીતે ઉભુ થયુ અમીરીનું આ સામ્રાજ્ય- વાંચો
1822ની આસપાસના દુબઈની કલ્પના કરો. આજે જ્યાં મોંઘીદાટ સ્પોર્ટ્સ કાર દોડે છે અને ગગનચુંબી ઇમારતો આકાશને આંબે છે, ત્યાં એક સમયે દૂર-દૂર સુધી માત્ર રણપ્રદેશ હતો. પીવા માટે મીઠું પાણી નહોતું, કોઈ મોટી નદી નહોતી અને વરસાદ એટલો ઓછો પડતો કે ખેતી કરીને અનાજ ઉગાડવું પણ મુશ્કેલ હતું. ગરમ રેતી અને આકરી ગરમી વચ્ચે ખજૂરના પાંદડાં તથા માટીમાંથી બનાવેલી કેટલીક ઝૂંપડીઓ હતી. તેમાં અંદાજે 700થી 800 લોકો રહેતા હતા. અહીંના લોકો માટે રોજિંદા જીવનની સૌથી મોટી લડાઈ ભૂખ અને તરસ સામે ટકી રહેવાની હતી. આજે જે શહેરને દુનિયા અમીરીના પ્રતીક તરીકે ઓળખે છે, તેની શરૂઆત આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં થઈ હતી.
દુબઈની જમીનમાં છુપાયેલો વેપારનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ
દુબઈની સફળતાની કહાની સમજવા માટે તેના ઇતિહાસમાં પાછળ જવું પડે. વર્ષ 2002માં રણપ્રદેશના એક વિસ્તારમાં ખોદકામ દરમિયાન આશરે 3,000 વર્ષ જૂના પુરાતત્ત્વીય અવશેષો મળી આવ્યા હતા. શારૂક અલ હદીદ તરીકે ઓળખાતા આ સ્થળે લોખંડના યુગની ધાતુઓ ઓગાળવાની ભઠ્ઠીઓ મળી હતી. આ ઉપરાંત ઇરાક, પ્રાચીન...