
છેલ્લા ઘણા સમયથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ બાદ હવે ગ્લોબલ ઓઈલ માર્કેટમાં ઠંડક પ્રસરી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. એક જ દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં 8 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ $99 પ્રતિ બેરલની નીચે પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ પણ $93ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. આ ઘટાડો કોઈ સામાન્ય વધઘટ નથી, પરંતુ તેની પાછળ એક મોટું રાજદ્વારી રહસ્ય છુપાયેલું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાન સામે દોસ્તીનો હાથ લંબાવતા એક નવો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને તબક્કાવાર રીતે ખોલવાની અને બંને દેશો વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરવાની વાત છે. આ એક પેજના મેમોરેન્ડમે રોકાણકારોમાં ઉત્તેજના જગાવી છે. જો ઈરાન આ પ્રસ્તાવ સ્વીકારી લે છે, તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ ઘટી શકે છે અને તેલનો પુરવઠો ફરીથી સરળ બની શકે છે.
દુનિયાનો સૌથી મોટો તેલ પરિવહન માર્ગ એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અત્યારે આ માર્ગ ઈરાન અને અમેરિકાના વિવાદને કારણે લગભગ બંધ છે. જો આ રસ્તો ખુલી જાય તો વિશ્વભરમાં તેલનો પુરવઠો અચાનક વધી જશે, જે તેલના ભાવોને હજુ પણ નીચે લાવી શકે છે.
જોકે, બજારના નિષ્ણાતો હજુ પણ સાવધ છે. વિશ્લેષક વંદના હરિના મતે, જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ન ખુલે ત્યાં સુધી સ્થિરતાની અપેક્ષા રાખવી ઉતાવળ ગણાશે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ પણ સ્થાનિક મોંઘવારીના દબાણને કારણે કોઈપણ ભોગે તેલના ભાવ નીચે લાવવા મથામણ કરી રહ્યા છે.
હવે આખી દુનિયાની નજર ઈરાનના જવાબ પર છે. શું આ યુદ્ધવિરામ અને સસ્તા તેલની શરૂઆત છે કે પછી નવો કોઈ વળાંક આવશે? તે જોવું રસપ્રદ રહેશે.