ચીની નિકાસ પર 100 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યા બાદ ચીને અમેરિકા પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો છે. ચીન પર હવે 1 નવેમ્બરથી કુલ 130 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ ‘શી જિનપિંગ’ સાથેની મુલાકાત રદ કરવાની પણ ધમકી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીવાર ચીનને ડરાવવા માટે એક પગલું ભર્યું છે. અમેરિકાએ ચીની ઉત્પાદનો પર વધારાના 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જો કે, ચીને આને “ડબલ સ્ટાન્ડર્ડ” ગણાવ્યું છે અને કહ્યું છે કે, ચીન ‘ટ્રેડ વોર’ નથી ઇચ્છતું પરંતુ તેનાથી ડરતું પણ નથી.
યુએસ પ્રશાસને 1 નવેમ્બર, 2025 થી ચીની માલ પર વધારાના 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે જ અમેરિકા તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો (Export Controls) પણ લગાવશે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેઓ ચીની નિકાસ પર વધારાના ટેરિફ લાદી રહ્યા છે, જેનાથી ચીન પર અમેરિકાનો ટેરિફ 130 ટકા થઈ ગયો છે. વધુમાં ટ્રમ્પે આ મહિનાના અંતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યોજાનારીની બેઠક પણ રદ કરવાની ધમકી આપી છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, ટ્રમ્પના પગલાંથી બેઇજિંગના હિતોને “ગંભીર નુકસાન” થયું છે અને બંને દેશો વચ્ચે આર્થિક અને વેપારને લગતું વાતાવરણ નબળું પડી ગયું છે. ચીને કહ્યું કે, “દરેક તબક્કે ઊંચા ટેરિફની ધમકી આપવી એ ચીન સાથે વાટાઘાટો કરવાનો યોગ્ય રસ્તો નથી.”
પીટીઆઈ અનુસાર, ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ચીનનો નિર્ણય મક્કમ છે અને જો અમેરિકા તેના આ પગલાં ચાલુ રાખશે, તો બેઇજિંગ તેના કાયદેસર અધિકારોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેશે. મંત્રાલયે અમેરિકાના નિર્ણયનો સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, ચીન લડવા માંગતું નથી પરંતુ લડવાથી પણ ડરતું નથી. જો જરૂર પડશે તો તે બદલો પણ લેશે.
‘રેર અર્થ એલિમેન્ટ્સ’ પર પોતાના નિકાસ નિયંત્રણ પગલાંને કાયદેસર માનતા ચીને આ પગલાનો બચાવ કર્યો છે. ચીને કહ્યું છે કે, ચીની સરકાર તમામ દેશો સાથે એક્સપોર્ટ કંટ્રોલ પર વાતચીતને મજબૂત કરવા માટે તૈયાર છે, જેથી ગ્લોબલ ઇંડસ્ટ્રિયલ અને સપ્લાય ચેઈન્સની સુરક્ષા વધુ સારી રીતે સુનિશ્ચિત કરી શકાય.
ચીને અમેરિકા પર સપ્ટેમ્બરથી આર્થિક દબાણ વધારવાનો આરોપ મૂક્યો છે. નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રેર અર્થ એલિમેન્ટ્સ પર હાલમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોનો અર્થ એ નથી કે તેના પર બેન લગાવવામાં આવ્યો છે, જરૂરિયાતો પૂરી કરવા માટે લાઇસન્સ પણ આપવામાં આવશે.
વધારાના 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાત સત્તાવાર રીતે રદ કરવામાં આવી નથી. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની મુલાકાત ત્રણ અઠવાડિયામાં દક્ષિણ કોરિયામાં થવાની છે. ટ્રમ્પના મતે, “મને ખાતરી નથી કે, આપણે આ મુલાકાત કરીશું કે નહીં.”