Breaking News : ડેમોક્રેટ્સ બહુમતી મેળવ્યા છતાં કેમ નહીં હટાવી શકે ટ્રમ્પને? સમજો અમેરિકી બંધારણનો આ નિયમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અગાઉ બે વખત મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે, બંને વખત ડોનાલ્ડ ટ્રમ્પ આરોપોમાંથી નિર્દોષ છૂટયો હતો. પહેલી વખત વર્ષ 2019માં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

Breaking News : ડેમોક્રેટ્સ બહુમતી મેળવ્યા છતાં કેમ નહીં હટાવી શકે ટ્રમ્પને? સમજો અમેરિકી બંધારણનો આ નિયમ
Donald Trump
Image Credit source: PTI
| Updated on: Nov 06, 2026 | 8:17 AM

ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મધ્યસત્રની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં બહુમતી મળી છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ લાવવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે જો આપણે મધ્યસત્રની ચૂંટણી નહીં જીતીએ તો ડેમોક્રેટ્સ મને મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવવા માટે કોઈને કોઈ બહાનું શોધી લેશે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું આવું શક્ય છે? શું ત્રીજી વખત પણ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઈ શકે છે? અગાઉ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બે વખત મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે, બંને વખત તે આરોપોમાંથી મુક્ત થયો હતો.

2019માં બે આરોપોને મંજૂરી આપી હતી

પહેલી વખત વર્ષ 2019માં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે મહાભિયોગના બે આરોપોને મંજૂરી આપી હતી. ટ્રમ્પ પર પહેલો આરોપ સત્તાના દુરુપયોગનો હતો. આરોપ હતો કે તેણે પોતાના રાજકીય હરીફની તપાસ કરવા માટે યુક્રેન પાસે મદદ માગી હતી. બીજો આરોપ કોંગ્રેસની તપાસમાં અવરોધ ઊભો કરવાનો હતો. જોકે, વર્ષ 2020માં સેનેટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને બંને આરોપોમાંથી મુક્ત કર્યું હતું.

બીજી વખત ક્યારે લાવવામાં આવ્યો હતો મહાભિયોગનો પ્રસ્તાવ?

વર્ષ 2021માં 6 જાન્યુઆરીના રોજ અમેરિકાની કેપિટલ હિલમાં થયેલા રમખાણોને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ બીજી વખત મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેના પર બળવો ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ સેનેટમાં ટ્રાયલ શરૂ થયું હતું. આ ટ્રાયલ દરમિયાન 57 સેનેટરોએ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જોકે, તેને દોષિત ઠેરવવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી એટલે કે 67 મતોની જરૂર હતી. આથી 13 ફેબ્રુઆરી, 2021ના રોજ ટ્રમ્પને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું.

મહાભિયોગની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?

અમેરિકાનું બંધારણ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સને મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ લાવવાની સત્તા આપે છે. આનો અર્થ એ છે કે નીચલા ગૃહમાં બહુમતી ધરાવતી પાર્ટી અન્ય પાર્ટીના સમર્થન વિના પણ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકે છે. સામાન્ય રીતે મહાભિયોગની પ્રક્રિયા હાઉસની કોઈ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ પર લાગેલા ગેરરીતિના આરોપોની તપાસથી શરૂ થાય છે. મોટાભાગે આ તપાસ ન્યાયિક સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ સમિતિ સાક્ષીઓને હાજર થવા માટે સમન્સ પાઠવી શકે છે. જરૂર પડે તો રાષ્ટ્રપતિને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે.

અમેરિકાના બંધારણમાં મહાભિયોગ માટે ત્રણ પ્રકારના ગુનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

  • દેશદ્રોહ
  • લાંચ અને ભ્રષ્ટાચાર
  • ગંભીર ગુનાઓ અને સત્તાનો દુરુપયોગ (High Crimes and Misdemeanors)

જો સમિતિને લાગે કે મહાભિયોગ માટે પૂરતા આધાર છે, તો તે સમગ્ર ગૃહ સમક્ષ રજૂ કરવા માટે મહાભિયોગના ઔપચારિક આરોપોનો મુસદ્દો તૈયાર કરે છે. મહાભિયોગના કોઈપણ એક આરોપને મંજૂરી આપવા માટે હાઉસમાં સામાન્ય બહુમતીની જરૂર પડે છે. જો પ્રસ્તાવ મંજૂર થાય તો રાષ્ટ્રપતિ સામે ઔપચારિક રીતે મહાભિયોગની કાર્યવાહી શરૂ થાય છે અને ત્યારબાદ કેસ ટ્રાયલ માટે સેનેટમાં મોકલવામાં આવે છે.

મહાભિયોગના ટ્રાયલની અધ્યક્ષતા કોણ કરે છે?

રાષ્ટ્રપતિ વિરુદ્ધના મહાભિયોગના ટ્રાયલની અધ્યક્ષતા અમેરિકાની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કરે છે. તેઓ પુરાવાઓની તપાસ કરી શકે છે અને સાક્ષીઓને હાજર થવા માટે સમન્સ મોકલી શકે છે. રાષ્ટ્રપતિને દોષિત ઠેરવવા માટે સેનેટમાં હાજર સભ્યોના બે તૃતીયાંશ મત જરૂરી હોય છે. એટલે કે જો તમામ 100 સેનેટરો ટ્રાયલમાં હાજર હોય તો ટ્રમ્પને દોષિત ઠેરવવા માટે ઓછામાં ઓછા 67 મતોની જરૂર પડશે. જો સેનેટમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ જરૂરી મત મળે તો તેને પદ પરથી હટાવી શકાય છે. ત્યારબાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળે છે.

શું ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવી શકાય છે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી માટે જરૂરી બેઠકો જીતી લીધી છે? હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની વાત કરીએ તો તેનો જવાબ હા છે, કારણ કે ડેમોક્રેટિક પાર્ટીએ અહીં બહુમતી મેળવી છે. આથી ડેમોક્રેટ્સ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકે છે. પરંતુ સેનેટમાં રાષ્ટ્રપતિને દોષિત ઠેરવવા અને પદ પરથી હટાવવા માટે 67 મતોની જરૂર પડશે. અહીં ડેમોક્રેટિક પાર્ટી પાસે એટલી બેઠકો નથી.

ડેમોક્રેટિક પાર્ટી સેનેટમાં અત્યાર સુધી 54 બેઠકો જીતી શકી છે. જ્યારે માત્ર બે બેઠકોનાં પરિણામો આવવાનાં બાકી છે. આવી સ્થિતિમાં ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાનું ડેમોક્રેટિક પાર્ટી માટે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. આથી, મધ્યસત્રની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર છતાં ટ્રમ્પની સત્તા પર તાત્કાલિક કોઈ મોટો ખતરો દેખાતો નથી. ડેમોક્રેટ્સ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરી શકે છે. પરંતુ સેનેટમાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી વિના ટ્રમ્પને પદ પરથી હટાવવું શક્ય નહીં બને.

આ પણ વાંચો, Breaking News : જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા, 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ

 

Follow Us
Loading...
Unable to load recommendations.