
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મજૂર દિવસની ઉજવણી વચ્ચે એક મોટો આર્થિક નિર્ણય લઈ વૈશ્વિક ફાર્મા ક્ષેત્રમાં ચર્ચા જગાવી છે. ટ્રમ્પે કેટલીક પેટન્ટ દવાઓ પર 100% સુધી ટેરિફ લાદવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને અમેરિકામાં દવા ઉત્પાદન વધારવા માટે કંપનીઓ પર દબાણ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય બજારમાં દવાઓના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી નીતિ મુજબ, જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ અમેરિકી સરકાર સાથે ભાવની વાટાઘાટો કરતી નથી, તેમની દવાઓ પર ભારે કર લાગશે. જો કંપનીઓ “મોસ્ટ ફેવર્ડ નેશન” પ્રાઇસિંગ ડીલ સ્વીકારે અને અમેરિકામાં ઉત્પાદન એકમો ઉભા કરે, તો તેમને ટેરિફમાંથી છૂટ આપવામાં આવશે. આ રીતે, સરકાર કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
સરકારે કંપનીઓને વાટાઘાટો માટે ચોક્કસ સમય આપ્યો છે. મોટી કંપનીઓને 120 દિવસ અને નાની કંપનીઓને 180 દિવસની મુદત આપવામાં આવી છે. હાલ સોદા ન કરતી પરંતુ અમેરિકામાં રોકાણ કરતી કંપનીઓ પર 20% ટેરિફ લાગશે, જે આગામી ચાર વર્ષમાં વધીને 100% સુધી પહોંચી શકે છે. સરકારનો દાવો છે કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા અને દવાઓ માટે વિદેશ પરની નિર્ભરતા ઘટાડવા માટે જરૂરી છે.
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સંગઠન PhRMA એ આ નિર્ણયનો કડક વિરોધ કર્યો છે. તેમના મતે, આ પગલાથી દવાઓના ભાવ વધશે અને સંશોધન તથા રોકાણ પર નકારાત્મક અસર પડશે. સાથે જ, અમેરિકાએ યુરોપ, જાપાન અને બ્રિટન માટે અલગ-અલગ ટેરિફ દર નક્કી કર્યા છે. નિષ્ણાતો માને છે કે આ નીતિ વૈશ્વિક દવા બજાર અને સપ્લાય ચેઇન પર વ્યાપક અસર પાડી શકે છે.
આ પણ વાંચો- નારાયણસામીને ટિકિટ ન મળતાં સમર્થકોએ પુડુચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું, જુઓ પૂર્વ મુખ્યમંત્રીનો પરિવાર