
ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ મુદ્દે અંતરિમ સમજૂતી થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે અને હવે તેની સત્તાવાર જાહેરાતની તૈયારી ચાલી રહી છે. અમેરિકા તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન તરફથી સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ આ કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. સમજૂતીમાં હોર્મુઝ સ્ટ્રેટને ટોલ વિના સંપૂર્ણ રીતે ફરી શરૂ કરવાની વાત કરવામાં આવી છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર્શિયન ગલ્ફનું મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જેના પર ઈરાનનું નિયંત્રણ છે. લગભગ 34 કિલોમીટર પહોળા આ માર્ગ દ્વારા વિશ્વના આશરે 20 ટકા તેલ અને ગેસની સપ્લાય થાય છે. અમેરિકી હુમલા બાદ ઈરાને આ માર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય પર અસર પડી હતી.
અહેવાલો મુજબ, ઈરાને સમુદ્રની અંદર 12 જેટલી વિસ્ફોટક બારૂદી સુરંગો બનાવી છે. આ માર્ગ ફરી શરૂ કરવા માટે સૌપ્રથમ આ સુરંગોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડશે. ઈરાનનું કહેવું છે કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 30 દિવસ લાગી શકે છે. ઈરાન આ કામ પોતાની દેખરેખ હેઠળ જ કરવા માંગે છે અને સુપ્રીમ લીડરની મંજૂરી બાદ કામગીરી શરૂ થઈ શકે છે.
આર્થિક નિષ્ણાતના જણાવ્યા અનુસાર, માર્ગ સંપૂર્ણ રીતે ક્યારે ખુલશે તેની ચોક્કસ તારીખ આપવી મુશ્કેલ છે. સમજૂતી થયા પછી પણ પ્રક્રિયા શરૂ કરવામાં એક અઠવાડિયા કરતાં વધુ સમય લાગી શકે છે. કારણ કે ઈરાન હજુ પણ અમેરિકાને સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર માનતું નથી અને સંભવિત હુમલાનો ભય યથાવત છે.
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના અહેવાલ મુજબ, હાલમાં પર્શિયન ગલ્ફ વિસ્તારમાં લગભગ 2000 જેટલા માલવાહક જહાજો અટવાયેલા છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ થયા બાદ પણ આ જહાજોને સલામત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા સરળ નહીં હોય. જહાજ માલિકો ત્યાં સુધી આગળ વધવા તૈયાર નહીં થાય જ્યાં સુધી તેમને સંપૂર્ણ સુરક્ષાનો વિશ્વાસ ન મળે.
અમેરિકન અહેવાલો અનુસાર, પેન્ટાગનના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે નાના તેલ ટેન્કર ઝડપથી બહાર નીકળી શકે છે, પરંતુ મોટા જહાજો માટે સ્થિતિ સામાન્ય બનવામાં 6 મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે મોટા વેપારી જહાજો માટે સંપૂર્ણ સુરક્ષા અને માર્ગની ખાતરી જરૂરી બને છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે અંતરિમ સમજૂતી માટે સિદ્ધાંતરૂપે સહમતિ બની ગઈ છે અને હવે તેના અંતિમ દસ્તાવેજ તૈયાર થઈ રહ્યા છે. આ કરાર હેઠળ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલશે અને પરમાણુ હથિયારો નહીં બનાવવાનો વાયદો કરશે.
બદલામાં અમેરિકા ઈરાન પર સૈન્ય હુમલો નહીં કરે અને તેના જપ્ત કરાયેલા નાણાં પરત આપવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અહેવાલોમાં લેબનોન પર હુમલા ન કરવાની વાતનો પણ ઉલ્લેખ છે. એટલે કે આ સમજૂતી પછી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવમાં મોટી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.