
મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) ચાલુ છે. હવે એ કહેવું મુશ્કેલ બની રહ્યું છે કે, આખરે આ સીઝફાયર ક્યાં સુધી ટકશે? અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે શાંતિ સમજૂતી પર કોઈ વાત બની શકી નથી.
તાજેતરમાં ઈરાને પાકિસ્તાન દ્વારા અમેરિકાને શાંતિ પ્રસ્તાવના મુદ્દાઓ મોકલ્યા છે, જેને સ્વીકારવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાફ ઇનકાર કરી દીધો છે. આ તણાવ વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વધુ એક ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, જો કોઈ પણ ઈરાનના સંવર્ધિત યુરેનિયમ ભંડાર પાસે ગયું તો અમેરિકા તેને ઉડાવી દેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાનના સંવર્ધિત યુરેનિયમ ભંડાર પર અમેરિકા કડક નજર રાખી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે, આ સ્થળો પર પહોંચવાના કોઈપણ પ્રયાસના પરિણામ સ્વરૂપ તાત્કાલિક સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો યુરેનિયમ ભંડારની સુરક્ષા સાથે કોઈ સમજૂતી થશે, તો અમેરિકી સેના પાસે તેને ઉડાવી દેવાની તાકાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચેની વર્તમાન સૈન્ય સ્થિતિ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ઈરાન એક પરાજિત દેશ છે અને ઈરાનની રક્ષણાત્મક તથા આક્રમક ક્ષમતાઓને વ્યવસ્થિત રીતે નષ્ટ કરી દેવામાં આવી છે.
ટ્રમ્પે ઈરાનના યુરેનિયમ ભંડાર અંગે કહ્યું કે, “અમને ગમે ત્યારે આ વિશે ખબર પડી જશે. અમે તેની દેખરેખ રાખી રહ્યા છીએ. મેં સ્પેસ ફોર્સ નામની એક સંસ્થા બનાવી છે અને તેઓ આના પર નજર રાખી રહ્યા છે. જો કોઈ પણ તે જગ્યાની નજીક પહોંચ્યું, તો અમને તેના વિશે ખબર પડી જશે અને અમે તેને ઉડાવી દઈશું.”
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકાની સ્પેસ ફોર્સ ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ વિશે વિગતવાર માહિતી આપી શકે છે. તેમણે કહ્યું કે, “જો કોઈ અંદર આવી જાય, તો તેઓ (સ્પેસ ફોર્સ) તેનું નામ, સરનામું અને બેજ નંબર પણ જણાવી શકે છે.”