Breaking News પાકિસ્તાનમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મધાતીએ કર્યો બોમ્બ બ્લાસ્ટ, 16ના મોત

પાકિસ્તાનના અખોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસામાં, આજે શુક્રવારની નમાજ દરમિયાન આત્મઘાતીએ વિસ્ફોટ કર્યો હતો, જેમાં 16 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. જમીયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI-S)ના વડા મૌલાના હમીદ-ઉલ-હક પણ આ આત્મધાતી હુમલામાં માર્યા ગયા છે.

Breaking News પાકિસ્તાનમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મધાતીએ કર્યો બોમ્બ બ્લાસ્ટ, 16ના મોત
| Edited By: | Updated on: Feb 28, 2025 | 5:02 PM

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અખોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસામાં આજે શુક્રવારની નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, જેમાં 16 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-સામી (JUI-S)ના વડા મૌલાના હમીદુલ હક હક્કાની પણ માર્યા ગયા હતા. તે ભૂતપૂર્વ JUI-S વડા અને ‘ફાધર ઑફ તાલિબાન’ તરીકે ઓળખાતા મૌલાના સમીઉલ હક હક્કાનીનો પુત્ર હતો.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મૌલાના હમીદુલ હક હક્કાની નમાજ દરમિયાન મસ્જિદની આગળની હરોળમાં બેઠા હતા, જે સાબિત કરે છે કે મૌલાના હમીદુલ હક હક્કાની આ હુમલાખોરોના મુખ્ય નિશાન હતા. વિસ્ફોટ બાદ તરત જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૌલાના હમીદુલ હક હક્કાની નિશાન હતા

ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) ઝુલ્ફીકાર હમીદે પુષ્ટિ કરી કે, દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસામાં થયેલો વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો અને તેનું લક્ષ્ય મૌલાના હમીદુલ હક હતા. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે અને વિસ્ફોટ પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસા કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારા માટે ઓળખાય છે અને તાલિબાન નેતાઓ માટે શિક્ષણનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

કોણ હતા મૌલાના હમીદુલ હક હક્કાની ?

મૌલાના હમીદુલ હક પણ સાંસદ રહી ચૂક્યા છે. 2018 માં તેના પિતા મૌલાના સમીઉલ હકની હત્યા પછી, તે જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-સામી (JUI-S) ના વડા બન્યા. તેમના પિતા મૌલાના સમીઉલ હકને તાલિબાનના પિતા કહેવામાં આવતા હતા અને તેઓ અફઘાન તાલિબાનના કટ્ટર સમર્થક હતા.

આ મદરેસા વિવાદોમાં રહી છે

1947 માં સ્થપાયેલ, દારુલ ઉલૂમ હક્કાનિયા એ પાકિસ્તાનની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક મીશનરીઓમાંની એક છે. તેની સ્થાપના મૌલાના સમીઉલ હકના પિતા મૌલાના અબ્દુલ હક હક્કાનીએ કરી હતી. જો કે આ મદરેસાના ઈતિહાસ વિવાદોથી ભરેલો રહ્યો છે. 2007માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાના કેટલાક શંકાસ્પદોના આ મદરેસાની સાથે સંબંધ હોવાનું કહેવાય છે, પરંતુ મદરેસા વહીવટીતંત્રે આવા આરોપોને નકારી કાઢ્યા હતા.

મદરેસાના અફઘાન કનેક્શન

બીબીસીના અહેવાલ અનુસાર, આ મદરેસાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અફઘાન તાલિબાનના ટોચના નેતૃત્વમાં સામેલ છે. જેમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી, અબ્દુલ લતીફ મન્સૂર, કુખ્યાત હક્કાની નેટવર્કના સ્થાપક મુલ્લા જલાલુદ્દીન હક્કાની અને ગુઆન્ટાનામો બેના ભૂતપૂર્વ કેદી ખૈરુલ્લા ખૈરખ્વા જેવા નામનો સમાવેશ થાય છે.

દારુલ ઉલૂમ હક્કાનિયા લાંબા સમયથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની રાજનીતિ, કટ્ટરપંથી જૂથો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. મૌલાના હમીદુલ હકના મોત બાદ આ સંસ્થા ફરી ચર્ચામાં આવી છે.

Published On - 5:01 pm, Fri, 28 February 25