
પાકિસ્તાને રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં કથિત આતંકવાદી ઠેકાણાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ એક ગુપ્ત માહિતી આધારિત, પસંદગીયુક્ત સ્થળો પર હવાઈ હુમલાની કાર્યવાહી હતી જેમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના સાત ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે, જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથના ઠેકાણાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, તે સ્પષ્ટ નથી કે અફઘાનિસ્તાનના કયા ભાગમાં હુમલા કરાયા હતા. પાકિસ્તાનના હવાઈ હુમલા અંગે અફઘાનિસ્તાનના કાબુલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
પાકિસ્તાની વાયુસેનાએ કરેલ એર સ્ટ્રાઈકમાં અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બાર્મલ જિલ્લામાં એક મદરેસાને નિશાન બનાવી હતી. પાકિસ્તાની જેટ્સે નંગરહાર પ્રાંતના ખોગયાની જિલ્લામાં પણ અનેક હવાઈ હુમલા કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાને પક્તિકાના બર્મલ અને અર્ગુન જિલ્લાઓ તેમજ નંગરહારના ખોગયાની, બહસોદ અને ઘાની ખેલ જિલ્લામાં અનેક હુમલાઓ કર્યા છે.
પાકિસ્તાની મીડિયા સૂત્રોએ પણ ઇસ્લામાબાદે કરેલા દાવા અનુસાર, અફઘાનિસ્તાન પર હવાઈ હુમલાઓની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર સ્થિત કથિત આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જીઓ ન્યૂઝે પાકિસ્તાનના માહિતી મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, આ હુમલાઓમાં ફિત્ના અલ-ખ્વારીજ (FAK), તેના સહયોગીઓ અને દાએશ ખોરાસન પ્રાંત (DKP) ના સાત કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે રમઝાન દરમિયાન ઇસ્લામાબાદ, બાજૌર અને બન્નુમાં તાજેતરના આત્મઘાતી હુમલાઓના જવાબમાં આ કાર્યવાહી ચોકસાઈ અને કાર્યક્ષમતા સાથે કરવામાં આવી હતી.
મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે, આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ અફઘાનિસ્તાન સ્થિત નેતૃત્વ અને હેન્ડલર્સ દ્વારા કરવામાં આવ્યા હતા, અને કહ્યું હતું કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને દાએશ સાથે જોડાયેલા તત્વોએ જવાબદારી સ્વીકારી છે. પાકિસ્તાને વારંવાર અફઘાન તાલિબાનને આતંકવાદી જૂથો દ્વારા આતંક ફેલાવવા માટે અફઘાન ભૂમિનો ઉપયોગ અટકાવવા વિનંતી કરી છે. જો કે, પાકિસ્તાન પોતે લાંબા સમયથી આ ક્ષેત્રમાં કાર્યરત વિવિધ આતંકવાદી સંગઠનોને સલામત આશ્રયસ્થાનો અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડવા બદલ આંતરરાષ્ટ્રીય તપાસનો સામનો કરી રહ્યું છે.
તેના નિવેદનમાં, પાકિસ્તાને કહ્યું કે તે અપેક્ષા રાખે છે કે વચગાળાની અફઘાન સરકાર તેની જવાબદારીઓ પૂર્ણ કરશે અને પાકિસ્તાન વિરુદ્ધ તેની ભૂમિનો ઉપયોગ અટકાવશે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને દોહા કરાર હેઠળ અફઘાન અધિકારીઓ પર તેમની પ્રતિબદ્ધતાઓનું પાલન કરવા દબાણ કરવા પણ હાકલ કરી.
પાકિસ્તાનના જાણીતા અખબાર ડોન અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન તેના નાગરિકોના જીવનની સુરક્ષા માટે અફઘાનિસ્તાનને નિશાન બનાવવાનો અધિકાર અનામત રાખે છે. બાજૌરમાં થયેલા ઘાતક હુમલા બાદ સરહદ પાર વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું કે પાકિસ્તાનની માંગ કે અફઘાન ભૂમિનો ઉપયોગ પાકિસ્તાનની અંદર આતંકવાદ માટે ના થાય તે સંપૂર્ણપણે કાયદેસર છે. તેથી, જ્યાં સુધી આ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી, બધા વિકલ્પો ખુલ્લા રહેશે.
Published On - 7:37 am, Sun, 22 February 26