
અમેરિકાએ ગુરુવારના રોજ ઈરાન વિરુદ્ધ હુમલાનો વરસાદ કર્યો હતો. તેમણે ઈરાનના અનેક ઠેકાણાને નિશાન બનાવ્યા છે. તેમજ એક જહાજ પર ગોળીબાર કર્યો છે. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે,આ જહાજ ઈરાન પર નૌકાદળની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઈરાને જવાબમાં ક્ષેત્રમાં અમેરિકાના સહયોગીઓ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરીને જવાબ આપ્યો અને ચેતવણી આપી કે તેના હુમલાઓ વધી શકે છે.
ગત્ત મહિને થયેલા અસ્થાયી સંધર્ષ-વિરામ તુટ્યું હતુ અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે અનેક દિવસ સુધી હુમલા થઈ રહ્યા છે. ઈરાનના અધિકારીનું કહેવું છે કે, અમેરિકી હુમલામાં 35 થી વધારે લોકો માર્યા ગયા છે અને 300થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હિંસાના આ તાજેતરના તબક્કામાં, પહેલી વાર, હુમલાઓ ઈરાનની રાજધાની તેહરાનની આસપાસના વિસ્તારોમાં પણ પહોંચ્યા, જે દર્શાવે છે કે અમેરિકા હવે વધુ સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરુ કર્યું હતુ. ત્યારે તેહરાને જવાબી કાર્યવાહીમાં હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કર્યું હતુ.આ પગલાથી તેલના ભાવમાં વધારો થયો અને વાટાઘાટોમાં ઈરાનને મોટો ફાયદો થયો.
વધતી કિંમતો ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી માટે એક ખાસ પડકાર ઉભી કરે છે, જેઓ નવેમ્બરની ચૂંટણીમાં કોંગ્રેસ પર નિયંત્રણ જાળવી રાખવાની આશા રાખે છે. અમેરિકાએ બુધવારે ઈરાની બંદરો પર ફરીથી નૌકાદળ નાકાબંધી લગાવી હતી. અમે જોઈશું કે અમે તેમની સાથે સમાધાન કરીએ છીએ કે તેને સમાપ્ત કરીએ છીએ, ટ્રમ્પે બુધવારે પેન્સિલવેનિયામાં યુએસ આર્મી વોર કોલેજમાં જણાવ્યું હતું.
ઈરાની સૈન્યના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા કર્નલ ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ ધમકી આપી હતી કે, જો અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વારંવારની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને ઈરાની પુલો અને પાવર પ્લાન્ટ પર હુમલો કરશે, તો ઈરાન આ ક્ષેત્રના તમામ માળખાગત સુવિધાઓ પર મોટો હુમલો કરી શકે છે.
Published On - 7:26 am, Fri, 17 July 26