
અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIA દ્વારા જાહેર કરાયેલા 70થી વધુ ગુપ્ત દસ્તાવેજોએ વૈશ્વિક સુરક્ષાના ઇતિહાસના એક ચોંકાવનારા પ્રકરણ પરથી પડદો ઉચક્યો છે.

CIA દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે અમેરિકા પરના હુમલા પહેલાં જ ઓસામા બિન લાદેનનો ખતરો ભારત પર પણ મંડરાઈ રહ્યો હતો. રેકોર્ડ્સમાં એવો દાવો કરાયો છે કે તે ભારત પર પણ હુમલો કરવાનું સક્રિય કાવતરું ઘડી રહ્યો હતો.

CIA દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં 28 ઓગસ્ટ, 1998નો એક ગુપ્તચર મેમો સામેલ છે, જેનું શીર્ષક હતું "બિન લાદેનનું આતંકવાદી નેટવર્ક, હજુ પણ ખતરો છે." આ મેમો અનુસાર, ઓસામા બિન લાદેન અનેક દેશોમાં મોટા પાયે હુમલા કરવાની યોજના બનાવી રહ્યો હતો.

આ દસ્તાવેજોમાં ઉલ્લેખિત દેશોમાં ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન, યુગાન્ડા અને નાઇજીરિયાનો સમાવેશ થાય છે. જોકે, દસ્તાવેજમાં ભારત અંગે કોઈ ચોક્કસ લક્ષ્ય, હુમલાની તારીખ કે નક્કર ઓપરેશનલ યોજનાનો ઉલ્લેખ નથી અને આ માહિતીના સ્ત્રોતને ગુપ્ત રાખવામાં આવ્યો છે.

દસ્તાવેજો સૂચવે છે કે 2001માં અમેરિકા પર થયેલા 9/11ના હુમલાના ઘણા સમય પહેલાંથી જ લાદેન પશ્ચિમી દેશો વિરુદ્ધ કાવતરાં ઘડી રહ્યો હતો. મેમો અનુસાર, અફઘાનિસ્તાનમાં અમેરિકાના મિસાઇલ હુમલાના થોડા કલાકો પહેલાં પણ લદેડેન અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) પર નવા હુમલાની યોજના બનાવી રહ્યો હતો. ગુપ્તચર અહેવાલોમાં એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે લાદેન તેના નેટવર્ક અને સંલગ્ન જૂથો દ્વારા વિશ્વભરના ઓછામાં ઓછા 60 દેશોમાં હુમલા કરાવી શકે છે.

CIA દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજો 1998 અને 2001 વચ્ચેના સમયગાળાના છે. આ અહેવાલો સૂચવે છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાએ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યુ. બુશ બંનેને વારંવાર ચેતવણી આપી હતી. આ ચેતવણીઓમાં દેશ પર તોળાઈ રહેલા મોટા આતંકવાદી ખતરા પર ભાર મૂકવામાં આવ્યો હતો. CIAએ જણાવ્યું હતું કે આ દસ્તાવેજોને જાહેર કરવાનો ઉદ્દેશ્ય ઇતિહાસના આ મહત્વપૂર્ણ સમયગાળા અંગે જનતા સમક્ષ સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો હતો.

11 સપ્ટેમ્બર, 2001ના રોજ, અલ-કાયદાના 19 આતંકવાદીઓએ અમેરિકામાં ચાર કોમર્શિયલ વિમાનોનું અપહરણ કર્યું હતું. આમાંથી બે વિમાનો ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાવ્યા હતા, જેના કારણે બંને ટાવર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા. ત્રીજું વિમાન પેન્ટાગોન - વર્જિનિયામાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેડક્વાર્ટર પર અથડાયું હતું જ્યારે ચોથું વિમાન, જે કથિત રીતે વ્હાઇટ હાઉસ અથવા યુએસ કેપિટોલને નિશાન બનાવવાનો હતુ. જો કે, મુસાફરોની બહાદુરીને કારણે તે વિમાન પેન્સિલવેનિયાના એક ખેતરમાં ક્રેશ થયું હતું.