
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધન બાદ ભારતે આકરો જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન પર આતંકવાદ અને બેવડાપણાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથેના સંબંધો અંગે સવાલો ઉઠાવ્યા. ભારત તરફથી યુએનમાં પ્રથમ સચિવ પેટલ ગેહલોતે ‘રાઈટ ટુ રિપ્લાય’નો ઉપયોગ કરીને પાકિસ્તાનના દાવાઓનો જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માત્ર એક જ વાતને વારંવાર દોહરાવવાથી તે સત્ય બની જતી નથી.
પેટલ ગેહલોતે પાકિસ્તાનના આતંકવાદ સામેના રેકોર્ડનો ઉલ્લેખ કરતાં અલ-કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે 9/11ના આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં મળ્યો હતો. ખાસ વાત એ છે કે એબોટાબાદમાં તે પાકિસ્તાની સૈન્યની પ્રીમિયર મિલિટરી એકેડમીની નજીક રહેતો હતો. ભારતે આ ઘટનાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના આતંકવાદ વિરોધી દાવાઓ સામે સવાલ ઉઠાવ્યો હતો.
ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનના સંબોધન અંગે કટાક્ષ કરતાં કહ્યું કે યુએન જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર ખોટી વાતોનું વારંવાર પુનરાવર્તન કરવાથી તે સત્ય બની જતી નથી. ભારતે પાકિસ્તાન પર આતંકવાદને પોતાની નીતિના સાધન તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો અને સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપવાના મુદ્દે પણ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી. ભારતે અગાઉ પણ યુએનના મંચ પર પાકિસ્તાન સામે આતંકવાદના મુદ્દે આવી જ સ્થિતિ રજૂ કરી છે.
ભારતે પાકિસ્તાન દ્વારા લોકશાહી અધિકારો અને માનવ મૂલ્યો અંગે કરવામાં આવેલા દાવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા. પેટલ ગેહલોતે પાકિસ્તાનની આંતરિક રાજકીય વ્યવસ્થા અંગે પણ ટિપ્પણી કરતાં તેના સત્તા માળખા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે પાકિસ્તાનના સૈન્યની ભૂમિકા અંગે ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે દેશના રાજકીય નેતાઓ બદલાતા રહે છે, પરંતુ વાસ્તવિક નિર્ણયો કોણ લે છે તે અંગે કોઈ ભ્રમ ન હોવો જોઈએ. ભારતે પાકિસ્તાનના બંધારણીય ફેરફારો અને સૈન્ય નેતૃત્વને મળેલી કાનૂની સુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો.
બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે યુએન મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન ભારત-પાકિસ્તાન સંબંધો, જમ્મુ-કાશ્મીર, પ્રાદેશિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ સહિતના વિવિધ મુદ્દાઓ પર પાકિસ્તાનનું વલણ રજૂ કર્યું. પાકિસ્તાની સરકારના સત્તાવાર અહેવાલ મુજબ શરીફે સંવાદ અને રાજદ્વારીને પ્રાદેશિક તણાવ ઉકેલવાનો માર્ગ ગણાવ્યો હતો. તેમણે ભારત સાથેના અગાઉના સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો.
યુએનમાં ભારતના જવાબનો મુખ્ય મુદ્દો આતંકવાદ રહ્યો હતો. ભારતે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે જવાબદાર ઠેરવતા કહ્યું કે સરહદ પારના આતંકવાદને કોઈપણ સ્વરૂપે સ્વીકારી શકાય નહીં. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પણ પાકિસ્તાનના આતંકવાદ અંગેના રેકોર્ડને ધ્યાનમાં લેવાની વાત કરી. આ સમગ્ર ઘટનાક્રમથી યુએન મહાસભાના મંચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો રાજદ્વારી તણાવ ફરી એકવાર સ્પષ્ટ રીતે સામે આવ્યો છે.
આ પણ વાંચો- 26 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજે 8 રાજ્યોમાં IMDની ભારે વરસાદની ચેતવણી, ઉત્તરાખંડના 5 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ