
હોર્મુઝ જળમાર્ગમાં વધતા તણાવ વચ્ચે ભારત હવે પોતાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદરથી આશરે 2,000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇનની યોજના પર ઝડપથી કામ કરી રહી છે.
પ્રસ્તાવિત “મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન” (MEIDP) આશરે 2,000 કિલોમીટર લાંબી હશે. આ પાઇપલાઇન અરબી સમુદ્રની અંદરથી પસાર થઈને ઓમાનને સીધું ગુજરાતના દરિયાકિનારા સાથે જોડશે. આ માર્ગ દ્વારા દરરોજ લગભગ 31 mmscmd નેચરલ ગેસ ભારત સુધી પહોંચાડી શકાશે.
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો આ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળી જશે તો તેને પૂર્ણ થવામાં લગભગ પાંચથી સાત વર્ષનો સમય લાગી શકે છે. સરકારનું માનવું છે કે આ યોજના ભારતને LNG સ્પોટ માર્કેટ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે અને ગેસ સપ્લાયને વધુ સ્થિર તેમજ સસ્તી બનાવશે.
અંદાજે 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચવાળી આ મહત્ત્વાકાંક્ષી યોજના ભારતને દરિયાઈ અવરોધો વિના સ્થિર અને સસ્તી ગેસ સપ્લાય ઉપલબ્ધ કરાવી શકે છે. આ પ્રોજેક્ટથી LNG માર્કેટ પરની નિર્ભરતા ઘટશે અને ભવિષ્યમાં ઊર્જા સંકટનું જોખમ પણ ઓછું થશે.
સરકારે GAIL, Engineers India અને Indian Oil Corporation જેવી સરકારી કંપનીઓને આ પ્રોજેક્ટ માટે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપવાની તૈયારી શરૂ કરી છે. શરૂઆતનો અભ્યાસ નવી દિલ્હીની ખાનગી કંપની The South Asia Gas Enterprise (SAGE)ની રિપોર્ટના આધારે કરવામાં આવી રહ્યો છે.
અહેવાલો મુજબ, આ પાઇપલાઇનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તે ભૂરાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારો અને દરિયાઈ અવરોધોથી બચી શકે. આ યોજના સફળ બનશે તો ભારતને ઓમાન ઉપરાંત UAE, કતાર, સાઉદી અરેબિયા, ઈરાન અને તુર્કમેનિસ્તાન જેવા ગેસ સમૃદ્ધ દેશોમાંથી સીધી ગેસ આયાત કરવાનો વિકલ્પ મળશે.
માહિતી પ્રમાણે, આ પાઇપલાઇન સમુદ્રની અંદર લગભગ 3,450 મીટર જેટલી ઊંડાઈએ નાખવામાં આવી શકે છે. જો આવું થશે તો આ વિશ્વની સૌથી ઊંડી સમુદ્રી ગેસ પાઇપલાઇન યોજનાઓમાં સામેલ થશે. તાજેતરના ટેક્નિકલ અભ્યાસોમાં આ પ્રોજેક્ટને સુરક્ષિત અને વ્યવહારુ ગણાવવામાં આવ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના માત્ર ભારતની ઊર્જા સુરક્ષાને જ મજબૂત નહીં બનાવે, પરંતુ દેશની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિમાં પણ વધારો કરશે. હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાં અવરોધ ઉભા થાય અથવા વૈશ્વિક સંકટ સર્જાય તો પણ ભારતની ગેસ સપ્લાય પર તેની મોટી અસર નહીં પડે.