Breaking News : મધ્યસત્ર ચૂંટણી હાર્યા છતા, ટ્રમ્પનો પાવર નહીં થાય ઓછો ! USA માં શું વીટોનો વીટો વાળી શકાય છે ?
Defeat for Donald Trump’s party in US midterm elections : અમેરિકામાં નવેમ્બર 2026માં યોજાયેલ મધ્યસત્ર ચૂંટણીમાં, યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીની કારમી હાર થઈ હોવા છતા, રાષ્ટ્રપતિ તરીકેના તેમના પાવરમાં કોઈ ઘટાડો થવાનો નથી. હાઉસ અને સેનેટમાં બહુમત ના હોવા છતા, ડોનાલ્ડ ટ્રમ્પ ધારે તે કરી શકે તેવી એક તાકાત તેમના પદ સાથે જોડાયેલ છે.

USA Midterm Elections 2026 : અમેરિકામાં યોજાયેલ મધ્યસત્ર ચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામોમાં પોતાના પક્ષની હાર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી, જેમાં લાલ રંગની “MAGA” (મેગા) ટોપી પર “Veto” (વીટો) શબ્દ લખેલો જોવા મળે છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, તેમણે સ્પષ્ટ કર્યું કે. તેમની પાસે રાષ્ટ્રપતિ તરીકેની ‘વીટો’ ની સત્તા છે, જેનો ઉપયોગ કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદાઓને રોકવા માટે થઈ શકે છે. અમેરિકાના મિડટર્મ (મધ્યસત્ર) ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો સંકેત આપ્યો છે કે અમેરિકન કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવતા કોઈપણ “તર્કહીન” (absurd) કાયદા સામે તેઓ પોતાની પાસે રહેલ ‘વીટો’ સત્તાનો ઉપયોગ કરશે.
ટ્રમ્પે કહ્યું, “તેઓ તર્કહીન કાયદાઓ મોકલશે, અને હું તેના પર વીટો લગાવી દઈશ.”
સત્તાના આ નવા સમીકરણો અંગે વાત કરતા ટ્રમ્પે ટિપ્પણી કરી, “તમે જાણો છો તેમ, આવું અગાઉ પણ ઘણી વખત બન્યું છે. આ ‘વીટો’ની શક્તિ છે. જે રાષ્ટ્રપતિ પાસે રહેલી સૌથી મહત્વપૂર્ણ સત્તાઓમાંની એક છે. કોંગ્રેસમાંથી તેઓ ખરેખર તર્કહીન બાબતો પસાર કરીને મોકલશે, તો હું તેના પર વીટો લગાવી દઈશ.”
ટ્રમ્પના લોકપ્રિયતાના નીચા આંકડાઓનો લાભ ઉઠાવીને ડેમોક્રેટ્સે મોટી જીત મેળવી છે. આ જીત સાથે, ડેમોક્રેટિક પાર્ટી પાસે હવે ટ્રમ્પના કાર્યકાળના બાકીના બે વર્ષ દરમિયાન તેમના વહીવટીતંત્રની નીતિઓ અને નિર્ણયો પર કડક દેખરેખ રાખવાની સત્તા આવી ગઈ છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે મન ફાવે તે રીતે આપખૂદશાહીએ નિર્ણયો નહીં કરી શકે. તેમના નિર્ણયનો ડેમોક્રેટ્સ દ્વારા વિરોધ કરાશે જ્યારે ડેમોક્રેટ્સ દ્વારા લેવાયેલા નિર્ણયોનો વિરોધ કરવા ડોનાલ્ડ ટ્રમ્પ, રાષ્ટ્રપતિ પાસે રહેલ વીટોનો ઉપયોગ કરશે.
ચૂંટણીમાં હાર છતાં ટ્રમ્પ અડગ
પોતાના પક્ષને મળેલી હાર છતાં, ટ્રમ્પે પીછેહઠ કરવાના કોઈ સંકેત આપ્યા નથી. તેના બદલે તેમણે સંકેત આપ્યો છે કે તેઓ કોંગ્રેસમાં ડેમોક્રેટ્સ સામે આકરો સંઘર્ષ કરવા માટે તૈયાર છે. ચૂંટણી પરિણામો પર કટાક્ષ કરતા ટ્રમ્પે કહ્યું કે હવે તેઓ પોતે એક “રાજકીય વિશ્લેષક” (political pundit) બનવા જઈ રહ્યા છે. જે વિવિધ ઉમેદવારોની જીત અને હાર પાછળના કારણોનું વિશ્લેષણ કરશે અને તેના સારા-નરસા પાસાઓ રજૂ કરશે. દરમિયાન, ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ મિડટર્મ ચૂંટણીના પરિણામો સ્વીકારવા અને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિને મળતા ‘વીટો’ પાવર શું છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે, ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ‘વીટો’ પાવરની સત્તા છે. આ એક મહત્વપૂર્ણ બંધારણીય સત્તા છે, જે યુએસ બંધારણની કલમ 1 અને 2 હેઠળ આપવામાં આવી છે. આ સત્તા દ્વારા તેઓ કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કોઈપણ ખરડાને કાયદો બનતા અટકાવી શકે છે.
પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે અનેક પ્રસંગોએ પોતાની વીટો સત્તાનો ઉપયોગ કરીને મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે જોડાયેલા ખરડાઓને નકારી કાઢ્યા હતા. આમાં સંરક્ષણ બજેટ, ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી અંગેનો ઠરાવ અને સરહદ પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત જેવા વિષયોનો સમાવેશ થાય છે.
જોકે, અમેરિકાની કાયદાકીય પ્રણાલીમાં, રાષ્ટ્રપતિનો વીટો સંપૂર્ણ કે અંતિમ નથી હોતો. જો યુએસ કોંગ્રેસના બંને ગૃહો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ કોઈ ખરડાને બે-તૃતીયાંશ બહુમતીથી ફરીથી પસાર કરે, તો રાષ્ટ્રપતિનો વીટો રદ થઈ જાય છે અને તે ખરડો રાષ્ટ્રપતિની સહી વિના પણ કાયદો બની જાય છે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સંરક્ષણ સંબંધિત એક ખરડાના કિસ્સામાં આવું બન્યું હતું.
