
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં સંબોધન કર્યુ હતું. યુએન જનરલ એસેમ્બલીમાં તેમનું સંબોધન એવા સમયે આવ્યું છે, જ્યારે ડઝનબંધ વૈશ્વિક નેતાઓએ ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીની આકરી ટીકા કરી છે. જ્યારે નેતન્યાહૂ બોલી રહ્યા હતા, ત્યારે જનરલ એસેમ્બલી હોલ લગભગ ખાલી થઈ ગયો હતો, કારણ કે ઘણા દેશોના પ્રતિનિધિઓ તેમનુ સંબોધન શરૂ થાય તે પૂર્વે જ ચાલતી પકડી હતી.
પરંતુ ઇઝરાયલી પ્રતિનિધિમંડળે જોરથી તાળીઓ પાડી જ્યારે તેમણે જાહેરાત કરી કે ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ સભ્યોના સેંકડો પેજર ઉડાવી દીધા છે. આતંરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ તે સમયે અહેવાલ પ્રસારીત કર્યા હતા કે, આ વિસ્ફોટોમાં કેટલાક બાળકો સહિત ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા. વધુમાં, તે સમયે લેબનીઝ આરોગ્ય વિભાગ અનુસાર, આશરે 3,000 લોકો ઘાયલ થયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણની શરૂઆત કરતા, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન અને તેના સાથીઓ સામે ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી પર ભાર મૂક્યો. નેતન્યાહૂએ કહ્યું, “છેલ્લા એક વર્ષમાં, અમે હૂતી બળવાખોરો પર અસંખ્ય હુમલા કર્યા છે, જેમાં ગઈકાલના હુમલાનો પણ સમાવેશ થાય છે. અમે હમાસની ઘણી શક્તિનો નાશ કર્યો છે. અમે હિઝબુલ્લાહને નબળુ પાડ્યુ છે, તેના ઘણા નેતાઓ અને શસ્ત્રોનો નાશ કર્યો છે.”
નેતન્યાહૂએ કહ્યું કે, હમાસની તાકાત ઓછી થઈ હોવા છતાં, તે હજુ પણ એક ખતરો છે અને આટલુ થયું હોવા છતા તેણે 7 ઓક્ટોબરની હિંસાનું પુનરાવર્તન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું, “અમારા લોકોની તાકાત, અમારા સૈનિકોની બહાદુરી અને અમારા બોલ્ડ નિર્ણયોને કારણે, ઇઝરાયલ તેના સૌથી ખરાબ દિવસમાંથી બહાર નીકળી શક્યું છે અને વિશ્વના સૌથી મોટા લશ્કરી પુનરાગમનમાંથી એક પ્રાપ્ત કરી શક્યું છે. પરંતુ અમારું કાર્ય હજુ પૂર્ણ થયું નથી.”
નેતન્યાહૂ આગામી સોમવાર 29મી સપ્ટેમ્બરે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે, જેમણે ઇઝરાયલ દ્વારા ગાઝાની જેવો જ વિસ્તાર, વેસ્ટ બેંકને જોડવાના કોઈપણ પ્રયાસને રોકવાનું વચન આપ્યું છે. આ સંદેશ તાજેતરમાં આરબ નેતાઓ સાથે અમેરિકાની પ્રસ્તાવિત શાંતિ યોજનાની ચર્ચા થયાના થોડા સમય પછી આવ્યો છે.
ઈઝરાયેલને લગતા તમામ સમાચારો જણવા માટે માત્ર એક ક્લિક કરો