
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના બોન્ડી બીચ પર થયેલા ભયાનક ગોળીબારની ઘટનાને અધિકારીઓએ સત્તાવાર રીતે આતંકવાદી હુમલો જાહેર કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે, જ્યારે બે પોલીસ અધિકારીઓ સહિત કુલ 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલો યહૂદી તહેવાર હનુક્કાહના પ્રથમ દિવસે યહૂદી સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.
આ ઘટનામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. વરિષ્ઠ કાયદા અમલીકરણ અધિકારીના જણાવ્યા અનુસાર, બોન્ડી બીચ પર ગોળીબાર કરનારાઓમાંના એકની ઓળખ 24 વર્ષીય નવીદ અકરમ તરીકે થઈ છે. નવીદ અકરમ સિડનીના બોનીરિગ વિસ્તારમાં રહેતો હતો અને મૂળ પાકિસ્તાનના લાહોરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તપાસના ભાગરૂપે પોલીસે રવિવારે સાંજે તેના ઘરે દરોડા પાડ્યા હતા.
સોશિયલ મીડિયા પર ફરતી માહિતી મુજબ, નવીદ અકરમ સિડનીની અલ-મુરાદ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી હતો. ઓનલાઈન વાયરલ થયેલી તસ્વીરોમાં તે પાકિસ્તાની ક્રિકેટ જર્સી પહેરેલો દેખાય છે. જોકે, આ તમામ માહિતીની અધિકારીઓ દ્વારા સત્તાવાર પુષ્ટિ હજુ તપાસ હેઠળ છે.
પોલીસે જણાવ્યું છે કે હુમલામાં સામેલ બે બંદૂકધારીઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ હુમલામાં કોઈ ત્રીજો શખ્સ અથવા અન્ય સાથી સામેલ હતો કે નહીં.
વાયરલ વીડિયોના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે નવીદ અકરમ હુમલો કરનાર હતો અને તે શરૂઆતમાં નિઃશસ્ત્ર હતો. જોકે, ઘટના સ્થળેથી ભાગી ગયા બાદ તેણે વધુ ગોળીબાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બોન્ડી વિસ્તારમાં કેમ્પબેલ પરેડ પર એક વાહનમાંથી અનેક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યા છે, જેને લઈ બોમ્બ નિકાલ એકમ દ્વારા તપાસ ચાલી રહી છે.
NSW પોલીસ કમિશનર માલ લેન્યોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઘટનાસ્થળેથી મળેલા શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રીને આધારે આ ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કરવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોથી દૂર રહેવાની અપીલ કરી અને કહ્યું કે આ બદલો લેવાનો સમય નથી, પરંતુ તપાસ એજન્સીઓને તેમનું કામ કરવા દેવાનો સમય છે.
UPDATE: A police operation is ongoing after a public place shooting by two men at Bondi Beach earlier today.
Ten people have been confirmed dead, including a man believed to be one of the shooters. The second alleged shooter is in a critical condition.
At this time, a further… https://t.co/lekTjxqf85
— NSW Police Force (@nswpolice) December 14, 2025
સ્થાનિક સમય મુજબ સાંજે 6:30 વાગ્યે આ હુમલો થયો હતો, જ્યારે યહૂદી સમુદાય હનુક્કાહની પ્રથમ રાત્રિની ઉજવણી કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાં એક બાળક અને બે પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમની હાલત ગંભીર છે અને હાલ તેમની સર્જરી ચાલી રહી છે.
સિડનીમાં તહેવારની ઉજવણી દરમિયાન ગોળીબાર, 10 લોકોના મોત, 2,000 થી વધુ લોકો હતા હાજર
Published On - 8:44 pm, Sun, 14 December 25