શેખ હસીનાની સરકારના પતન બાદ હવે બાંગ્લાદેશ એ ઘાને ભૂલી જવાની તૈયારી કરી રહ્યું છે જે તેને પાકિસ્તાન આર્મી દ્વારા આપવામાં આવ્યા હતા. 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ લાખો બાંગ્લાદેશીઓ પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેમની હત્યા કરી હતી. પરંતુ, હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ આ બધું ભૂલીને ધીમે ધીમે પાકિસ્તાનના ખોળામાં બેસવાની તૈયારી કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે. કારણ કે, સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે 19 ડિસેમ્બરે ઇજિપ્તના કૈરોમાં આયોજિત D-8 સમિટ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. D-8 સમિટ શું છે ? D-8 ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન, જેને વ્યાપકપણે ડેવલપિંગ-8 તરીકે ઓળખવામાં આવે છે. તેના સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, નાઈજીરીયા, પાકિસ્તાન અને તુર્કી છે. આ દેશો વચ્ચે વિકાસ સહયોગને પ્રોત્સાહન આપવા માટેનું એક સંગઠન છે. 19મી ડિસેમ્બર, 2024ના રોજ...