
પાકિસ્તાનના હવાઈદળે ફરી એકવાર અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં હુમલા કર્યા છે. હંમેશની જેમ, આ હુમલાઓમાં અફઘાન નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સેનાએ જણાવ્યું હતું કે તાજેતરના આત્મઘાતી હુમલાઓના જવાબમાં, ગુપ્ત માહિતીના આધારે હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફિત્ના અલ-ખ્વારીજ (FAK), તેના સહયોગીઓ અને દાએશ ખોરાસન પ્રાંત (DKP) ના સાત આતંકવાદી છાવણીઓ અને ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
જોકે, અફઘાન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, પાકિસ્તાને કરેલ એર સ્ટ્રાઈક હુમલાઓમાં ઘરો અને મદરેસાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 19 જેટલા નાગરિકો માર્યા ગયા હતા. રમઝાન મહિનામાં કરાયેલા હુમલાઓને કારણે પાકિસ્તાન સામે તાલિબાન અધિકારીઓ ગુસ્સે થયા છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનને આ હુમલાઓનો સમયસર, યોગ્ય અને વિચારપૂર્વક જવાબ આપવાની ધમકી ઉચ્ચારી છે.
પાકિસ્તાનમાં અફઘાન રાજદૂત અબ્દુલ સલામ ઝૈફે કહ્યું કે “પાકિસ્તાની લશ્કરી શાસન” દ્વારા નંગરહાર અને પક્તિકા પર કરવામાં આવેલા હુમલાઓ, અફઘાન દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે અને અન્યાયી અને કાયરતાપૂર્ણ કૃત્ય છે. અબ્દુલ સલામ ઝૈફે કહ્યું કે, પાકિસ્તાન પોતાની જવાબદારીથી છટકી રહ્યું છે અને પોતાની સ્થાનિક નિષ્ફળતાઓ છુપાવવા માટે નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યું છે.
સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓને અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ, પડોશીપણાના સિદ્ધાંતો અને ઇસ્લામિક મૂલ્યોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “નાગરિકો અને ધાર્મિક કેન્દ્રો પરના હુમલાઓ પાકિસ્તાની સૈન્યની ગુપ્તચર અને સુરક્ષા નિષ્ફળતાઓનો સ્પષ્ટ પુરાવો છે.” તેમાં ઉમેર્યું હતું કે આ વારંવારના હુમલાઓ તેમની નિષ્ફળતાઓને ક્યારેય છુપાવી શકશે નહીં.
અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ કહે છે કે, પાકિસ્તાનના ચુનંદા લશ્કરી વર્તુળે ફરી એકવાર અફઘાન ભૂમિ પર હુમલો કર્યો છે. ઝબીહુલ્લાહ મુજાહિદ કહે છે કે, પાકિસ્તાની સેનાએ નંગરહાર અને પક્તિકામાં નાગરિકો પર બોમ્બમારો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા. મુજાહિદના મતે, પાકિસ્તાની સેનાપતિઓ આવા હુમલાઓ દ્વારા પોતાના ઘરની નબળી સુરક્ષાની ભરપાઈ કરી રહ્યા છે.
Breaking News : પાકિસ્તાને રમઝાન મહિનામાં એર સ્ટ્રાઈકથી અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો કર્યો દાવો
Published On - 10:01 am, Sun, 22 February 26