
અમેરિકન અવકાશ એજન્સી નાસાએ ભારતીય મૂળની નીલા રાજેન્દ્રને નોકરી પરથી હટાવી દીધી છે. ભારતીય મૂળની નીલા રાજેન્દ્ર નાસાની ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લુઝનની પ્રમુખ હતી. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, નોકરી ગુમાવવાનું સચોટ કારણ હજુ અકબંધ છે પણ આની પાછળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચના છે તેવું કહેવામાં આવી રહ્યું છે. નોકરી ગુમાવવાની આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ કરવામાં આવી છે, જેમાં દેશભરના તમામ ડાયવર્સિટી પ્રોગ્રામ બંધ કરવા અને તેને લગતા નિમણૂકોને તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
નાસાએ નીલા રાજેન્દ્રને બચાવવાના પ્રયત્નોમાં તેની પદવી બદલીને ‘ટીમ એક્સેલન્સ એન્ડ એમ્પ્લોયી સક્સેસ’ તરીકેની રાખી હતી. જોકે, તેનું કામ તો પહેલા જેવુ જ હતું. આગળ જતા માર્ચમાં, નાસાએ ડાયવર્સિટી વિભાગ બંધ કરી દીધો અને તે સમયે નીલા રાજેન્દ્રને કાર્યવાહીમાંથી બચાવી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમના માટે એક અલગ નવો વિભાગ બનાવવામાં આવ્યો હતો.
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ડિરેક્ટર લૌરી લેશિનએ કર્મચારીઓને એક ઇમેલ મોકલીને કહ્યું કે, “નીલા રાજેન્દ્ર હવે જેટ પ્રોપલ્શન લેબોરેટરીનો ભાગ નથી. તેમણે આ સંસ્થા પર જે છાપ છોડી તેના માટે અમે તેમના આભારી છીએ. અમે તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.”
બજેટ કટોકટીના કારણે નાસાએ ગયા વર્ષે લગભગ 900 DEI કર્મચારીઓને છૂટા કર્યા હતા. તે સમયે નીલા રાજેન્દ્રને દૂર કરવામાં આવ્યા ન હતા. જો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા DEI પર કડક કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ એપ્રિલમાં નીલા રાજેન્દ્રને તેમના પદ પરથી દૂર કરવામાં આવી હતી.
નીલા રાજેન્દ્રએ ઘણા વર્ષો સુધી નાસામાં નેતૃત્વની ભૂમિકા ભજવતી રહી અને ‘સ્પેસ વર્કફોર્સ 2030’ જેવા મિશનને આગળ ઝંપલાવ્યું. નીલા રાજેન્દ્રનો નાસામાં મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને લઘુમતીઓની ભાગીદારી વધારવાનો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવાયું છે કે, “ડાયવર્સિટી પ્રોગ્રામે અમેરિકાને જાતિ, રંગ અને લિંગના આધારે વિભાજિત કર્યું છે. જેના કારણે કરદાતાઓના પૈસાનો બગાડ થઈ રહ્યો છે અને ભેદભાવને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.” આ સાથે, અમેરિકાની ઘણી અન્ય ફેડરલ એજન્સીઓએ પણ આવા તમામ કાર્યક્રમોને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે.
Published On - 1:09 pm, Tue, 15 April 25