ભરપેટ ખાધા પછી પણ કેમ લાગવા મંડે છે ‘ભૂખ’ ? જાણી લો આ પાછળનું ‘સાચું કારણ’

આપણી રોજિંદી લાઈફમાં ઘણીવાર એવું બનતું હોય છે કે, પેટ ભરીને સરસ જમ્યા પછી પણ થોડી જ વારમાં ફરી કઈંક ખાવાનું મન થવા લાગે. સામાન્ય રીતે આપણે આને ગંભીરતાથી નથી લેતા પણ હેલ્થ એક્સપર્ટના મતે આપણું શરીર આ રીતે આપણને કોઈ સંકેત આપી રહ્યું હોય છે. હવે વાત એ છે કે, આખરે પેટ ભરેલું હોવા છતાં કેમ વારંવાર ભૂખ લાગે છે?

ભરપેટ ખાધા પછી પણ કેમ લાગવા મંડે છે ભૂખ ? જાણી લો આ પાછળનું સાચું કારણ
| Updated on: Sep 02, 2026 | 9:30 PM

ઘણી વખત એવું બને છે કે, પેટ ભરીને ખાધાના થોડા સમય પછી જ ફરીથી ભૂખ લાગવા લાગે છે. કેટલાક લોકોને સતત કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થતી રહે છે. જો કે, તેને સામાન્ય ભૂખ સમજીને નજરઅંદાજ કરવામાં આવે છે.

વારંવાર આવું કેમ થાય છે?

હવે વારંવાર આવું થવું એ ખાવા-પીવાની ટેવો, ઊંઘ, તણાવ અને શરીરમાં થતા કેટલાક ફેરફારો સાથે જોડાયેલું હોઈ શકે છે. આખરે પેટ ભરીને ખાધા પછી પણ ભૂખ કેમ લાગે છે? આમાં હેલ્થ એક્સપર્ટ કહે છે કે, જો આહારમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ ઓછું હોય, તો પેટ જલ્દી ખાલી અનુભવાઈ શકે છે.

માત્ર ચોખા, રોટલી, મીઠાઈ અથવા અન્ય કાર્બોહાઈડ્રેટ ધરાવતી વસ્તુઓ પર આધારિત ખોરાકથી પેટ તો ભરાઈ જાય છે પરંતુ લાંબા સમય સુધી પેટ ભરાયેલું અનુભવાતું નથી. દાળ, પનીર, ઈંડા, દહીં, શાકભાજી, ફળો અને આખા અનાજ જેવા ખાદ્ય પદાર્થો ખોરાકને વધુ સંતુલિત બનાવે છે.

  1. પૂરતું પાણી ન પીવું: ઘણી વખત શરીરમાં પાણીની કમીને પણ લોકો ભૂખ સમજી લે છે. જો ખાધા પછી વારંવાર કંઈક ખાવાનું મન થાય, તો પહેલા પાણી પીને થોડીવાર રાહ જોવી ઉપયોગી થઈ શકે છે. જો કે, સતત વધારે પડતી તરસ કે ભૂખ લાગે તો તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે.
  2. ઊંઘ પૂરી ન થવી: ઓછી ઊંઘની અસર ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ પર પડી શકે છે. પૂરતી ઊંઘ ન લેવા પર ભૂખ વધારતા હોર્મોન્સનું સ્તર પ્રભાવિત થઈ શકે છે અને મીઠું અથવા વધુ કેલેરીવાળું ખાવાનું ખાવાની ઈચ્છા વધી શકે છે. આથી, દરરોજ પૂરતી અને સારી ગુણવત્તાવાળી ઊંઘ જરૂરી છે.
  3. તણાવ અને ભાવનાત્મક ભૂખ: તણાવ, ચિંતા કે બોરિયતમાં ઘણા લોકો વાસ્તવિક ભૂખ વિના પણ ખાવા લાગે છે. તેને ઈમોશનલ ઈટિંગ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ખાસ કરીને મીઠું, તળેલું કે પસંદગીનું ભોજન ખાવાની ઈચ્છા વધુ થઈ શકે છે. આમાં સમજવું જરૂરી છે કે, ભૂખ ખરેખર પેટમાંથી આવી રહી છે કે મનની સ્થિતિમાંથી?
  4. ઝડપથી ખાવું: મગજને પેટ ભરાવાનો સંકેત મળવામાં થોડો સમય લાગે છે. જો ખોરાક ખૂબ ઝડપથી ખાવામાં આવે તો જરૂરિયાત કરતાં વધુ ખાવા છતાં પણ પેટ ભરાયેલું અનુભવાતું નથી. ખોરાકને ધીમે-ધીમે અને બરાબર ચાવીને ખાવો એ સારી ટેવ છે.

ડૉક્ટરની સલાહ ક્યારે લેવી?

જો પેટ ભરીને ખાધા પછી પણ સતત ખૂબ વધારે ભૂખ લાગે છે અને તેની સાથે વજન ઝડપથી ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે, વધારે પડતી તરસ લાગી રહી છે, વારંવાર પેશાબ આવી રહ્યો છે કે નબળાઈ અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

કેટલાક કિસ્સાઓમાં બ્લડ શુગરમાં ગડબડ, થાઇરોઇડ જેવી સમસ્યાઓ અથવા કેટલીક દવાઓની અસર પણ ભૂખ વધારી શકે છે. દરેક વખતે વધુ ભૂખ લાગવાનો અર્થ એ નથી કે, શરીરને વધુ ખોરાકની જરૂર છે. સંતુલિત ખોરાક, પૂરતું પાણી, નિયમિત ઊંઘ અને તણાવ પર નિયંત્રણથી આ સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાગરૂકતા માટે છે. તેને કોઈ પણ પ્રકારની તબીબી સલાહ, રોગનિદાન કે સારવારનો વિકલ્પ ન ગણવો. સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યા અથવા લક્ષણો દેખાય ત્યારે તુરંત જ તમારા ડૉક્ટર અથવા યોગ્ય તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

પીળિયાને ભૂલથી પણ ન કરતા ‘નજરઅંદાજ’! શરીર આપવા લાગે છે આ ‘5 ખતરનાક ઈશારા’, તરત જ ચેતી જજો

Follow Us
Loading...
Unable to load recommendations.