
બ્રેઇન સ્ટ્રોક એક અતિ ગંભીર તબીબી સ્થિતિ છે, જેમાં મગજ સુધી લોહી પહોંચવાનું બંધ થઈ જાય છે અથવા મગજની કોઈ નસ ફાટી જાય છે. આના કારણે મગજના કોષોને મોટું નુકસાન પહોંચવા લાગે છે. ઘણી વખત વ્યક્તિને ઊંઘમાં જ સ્ટ્રોક આવી જાય છે અને તેની જાણ સવારે ઉઠ્યા પછી થાય છે, જેને મેડિકલ ભાષામાં ‘વેક-અપ સ્ટ્રોક’ (Wake-up Stroke) કહેવામાં આવે છે. આવા કિસ્સામાં વ્યક્તિ રાત્રે સૂતી વખતે એકદમ સામાન્ય હોય છે, પરંતુ સવારે ઉઠતાં જ તેને બોલવામાં, ચાલવામાં કે શરીરના કોઈ અંગને હલનચલન કરાવવામાં મુશ્કેલી થવા લાગે છે. આવા લક્ષણોને અવગણવા જીવલેણ સાબિત થઈ શકે છે.
સ્ટ્રોક દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે આવી શકે છે. આવું ત્યારે બને છે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડતી નસમાં લોહીની ગાંઠ (Blood Clot) જામી જાય અથવા મગજની નસ ફાટી જાય. આ બંને સ્થિતિમાં મગજના કોષો ઓક્સિજન વિના ડેમેજ થવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધેલું કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધી બીમારીઓ સ્ટ્રોકનું જોખમ વધારે છે. આ ઉપરાંત ધૂમ્રપાન, શારીરિક કસરતનો અભાવ અને અનિયમિત ખાનપાન પણ તેના મુખ્ય જોખમી પરિબળો છે.
ઊંઘમાં સ્ટ્રોક આવ્યો હોય ત્યારે સવારે જાગ્યા પછી દર્દીમાં નીચે મુજબના લક્ષણો જોવા મળી શકે છે:
જો સવારે ઉઠ્યા પછી આવા કોઈ પણ સંકેતો દેખાય તો તેને સામાન્ય થાક કે અધૂરી ઊંઘનું પરિણામ માનીને અવગણવાની ભૂલ ન કરવી. આ સીધા સ્ટ્રોકના લક્ષણો છે અને દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો જરૂરી છે.
જો સવારે કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો જણાય તો જરાય વિલંબ કર્યા વગર તબીબી સારવાર અપાવવી જોઈએ. હોસ્પિટલ પહોંચીને ડોક્ટરને એ જણાવવું ખાસ જરૂરી છે કે દર્દીને છેલ્લે ક્યારે એકદમ સ્વસ્થ જોવામાં આવ્યા હતા અને સવારે ઉઠતી વખતે કયા લક્ષણો સૌથી પહેલાં દેખાયા. સ્ટ્રોકની સારવારમાં શરૂઆતનો સમય (Golden Hour) અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ડોક્ટરની સલાહ વિના દર્દીને ઘરમાં રહેલી કોઈ પણ દવા આપવી નહીં, કારણ કે નસ બ્લોક થવાથી કે નસ ફાટવાથી થયેલા સ્ટ્રોકની સારવાર તદ્દન અલગ હોય છે.