Vitamin D: સપ્લિમેન્ટ લેતાં પહેલાં સમજી લો D2 અને D3 વચ્ચેનો તફાવત, હૃદય અને સ્નાયુઓ માટે કયું છે સૌથી ઉત્તમ?
વિટામિન-D માત્ર હાડકાં માટે જ નહીં, પરંતુ હૃદય અને સ્નાયુઓની મજબૂતી માટે પણ અત્યંત જરૂરી છે. તાજેતરના રિસર્ચમાં સામે આવ્યું છે કે વિટામિન-D2 ની સરખામણીએ વિટામિન-D3 શરીર માટે કેટલું વધુ અસરકારક સાબિત થાય છે.

હાડકાંની મજબૂતી અને કેલ્શિયમ શોષણની વાત નીકળે ત્યારે સામાન્ય રીતે સૌથી પહેલું નામ વિટામિન-D નું મનમાં આવે છે. વિટામિન-D હાડકાંના સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે તે આપણે જાણીએ છીએ.
પરંતુ તેની ભૂમિકા માત્ર હાડકાં સુધી જ સીમિત નથી. તે શરીરના સ્કેલેટલ સ્નાયુઓ (મસલ્સ) અને હૃદય સહિતના મહત્વપૂર્ણ અંગો તથા ટિશ્યુઝની કામગીરી સુચારુ રાખવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે હૃદય અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે વિટામિન-D નો એક ચોક્કસ પ્રકાર વધુ અસરકારક છે.
રિસર્ચમાં શું બહાર આવ્યું?
સામાન્ય રીતે ડાયેટરી સપ્લિમેન્ટ્સ અને ફોર્ટીફાઈડ ખોરાકમાં વિટામિન-D ના બે મુખ્ય પ્રકારો—વિટામિન D2 અને વિટામિન D3 નો ઉપયોગ થાય છે. હૈદરાબાદ સ્થિત ‘ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN)’ દ્વારા હાથ ધરવામાં આવેલા નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે સ્કેલેટલ સ્નાયુઓ અને હૃદયના કાર્યોને યોગ્ય રાખવા માટે વિટામિન D3, વિટામિન D2 ની તુલનાએ ઘણું વધારે પ્રભાવશાળી અને ફાયદાકારક છે.
આ સંશોધનની શા માટે જરૂર પડી?
વૈજ્ઞાનિકો પાસે અત્યાર સુધી એ બાબતના મર્યાદિત પુરાવા હતા કે હાડકાં સિવાય શરીરના અન્ય ભાગો અને અંગો પર વિટામિન-D ના આ બંને પ્રકારો એકસરખી અસર કરે છે કે નહીં. આ મહત્વપૂર્ણ સવાલનો વૈજ્ઞાનિક જવાબ મેળવવા માટે સંશોધકોએ આ અભ્યાસ હાથ ધર્યો હતો.
કઈ રીતે કરવામાં આવ્યું પરીક્ષણ?
આ બંને પ્રકારો વચ્ચેના તફાવતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા માટે સંશોધકોએ નર ઉંદરો પર વિશેષ પ્રયોગ કર્યો અને તેમને અલગ-અલગ પ્રકારનો આહાર આપવામાં આવ્યો. પરીક્ષણ દરમિયાન શરીરમાં વિટામિન-D ની ઊણપ દૂર કરવા અને યોગ્ય સ્તર જાળવી રાખવાના સંદર્ભમાં ઉંદરોના સ્નાયુઓ તેમજ હૃદયના પરિમાણો પર D2 અને D3 ની અસરોની સરખામણી કરવામાં આવી.
આ મહત્વપૂર્ણ સંશોધન ‘મોલેક્યુલર ન્યુટ્રિશન એન્ડ ફૂડ રિસર્ચ’ જર્નલમાં પ્રકાશિત થયું છે, જે સાબિત કરે છે કે સ્નાયુઓની તાકાત અને હૃદયના સ્વાસ્થ્યને જાળવવા માટે વિટામિન D3 વધુ સચોટ અને અસરકારક વિકલ્પ છે.
