
જો તમને પણ કબજિયાતની સમસ્યા છે, વજન વધેલું રહે છે અથવા ત્વચાની કોઈ સમસ્યા છે, તો ‘પપૈયું’ તમારા સ્વાસ્થ્યને ફરીથી તંદુરસ્ત કરી શકે છે. સામાન્ય રીતે પીળા રંગના ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ફળોમાં વિટામિન C, વિટામિન A (બીટા-કેરોટીન), પોટેશિયમ અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. માત્ર પપૈયું જ નહીં, પપૈયાના પાંદડાંનો રસ પણ ફાયદાકારક હોય છે.
રોગાઃ સર્વેઽપિ મન્દેઽગ્નૌ સુતરામુદરાણિ ચ।
અજીર્ણાત્ મલિનૈશ્ચાનૈર્જાયન્તે મલસંચયાત્॥
(અષ્ટાંગહૃદયમ્, નિદાનસ્થાન 12.1)
આનો અર્થ એ છે કે, શરીરમાં તમામ પ્રકારના રોગો મંદ અગ્નિથી ઉત્પન્ન થાય છે, મંદ અગ્નિ એટલે કે તમારી નબળી પાચન શક્તિ. આમાં જેમને અપચાની સમસ્યા રહે છે, તેનાથી લિવર અને સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) પણ નબળા પડી શકે છે. જો તમારું પેટ સચોટ રીતે સાફ નહીં થાય, તો એ જ તમારી બીમારીઓનો પાયો બની જશે. તેથી પોતાની પાચનક્રિયાને સુધારવી અત્યંત જરૂરી છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પપૈયામાં એલ્કલોઇડ, ગ્લાયકોસાઇડ, ટેનિન, સેપોનિન અને ફ્લેવોનોઇડ જેવા એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે ડેન્ગ્યુથી પીડિત દર્દી માટે ખૂબ ફાયદાકારક હોય છે. અનેક મેડિકલ રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે, પપૈયાના પાંદડાં ડેન્ગ્યુમાં ફાયદાકારક છે.
પપૈયાના પાંદડાંનો રસ 2 કમ્પાઉન્ડ 1-beta-D-ribofuranosyl-3-ethynyl જેને ટેરિઆઝોલ (ETAR) અને 1-beta-Dribofuranosyl-4-ethynyl જેને ઇમિડાઝોલ કહેવાય છે, તેનાથી ભરપૂર હોય છે. આ ડેન્ગ્યુના વાયરસને આખા શરીરમાં ફેલાતા અટકાવે છે. સાથે જ ડેન્ગ્યુના દર્દીના ઘટી રહેલા પ્લેટલેટ્સને વધારવામાં પણ મદદ કરે છે.
આના માટે તમારે 5-6 પપૈયાના પાંદડાંને સારી રીતે ધોઈને પીસી લેવાના છે. તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. પાંદડાંના મિશ્રણને ગળણી વડે ગાળી લો. હવે આ રસમાં લીંબુનો રસ અને ચપટી મીઠું ઉમેરો. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પપૈયાના પાંદડાંનો રસ બનીને તૈયાર છે.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, પપૈયાના પાંદડાંનો રસ પીવાથી લિવર અને આંતરડાંનું ફંક્શન સારું થઈ જાય છે. જો કે, તેની વધારે માત્રા એકસાથે લેવાથી ઉલટીઓ થવા લાગે છે. તેથી વધુ માત્રામાં પપૈયાના પાંદડાંનો રસ ન પીવો. આખા દિવસમાં 25 થી 50 ml જેટલો રસ લઈ શકાય છે.